Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડમાં ફટાકડાએ સર્જ્યો વિનાશ

મુલુંડમાં ફટાકડાએ સર્જ્યો વિનાશ

Published : 10 November, 2026 08:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકાસ સેન્ટરમાં ભયાનક આગથી છઠ્ઠા-સાતમા માળનો બૅન્ક્વેટ હૉલ ખાખ, ફાયરબ્રિગેડ સવા કલાક મોડી પહોંચી એટલે નુકસાન વધ્યું

વિકાસ સેન્ટરમાં લાગેલી આગ અને આગ લાગ્યા બાદ બળીને ખાખ થઈ ગયેલો બૅન્ક્વેટ હૉલ.

વિકાસ સેન્ટરમાં લાગેલી આગ અને આગ લાગ્યા બાદ બળીને ખાખ થઈ ગયેલો બૅન્ક્વેટ હૉલ.


મુલુંડ-વેસ્ટના નેતાજી સુભાષ રોડ પર આવેલા વિકાસ સેન્ટરમાં રવિવારે મોડી રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ એક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને કારણે સેન્ટરના છઠ્ઠા અને સાતમા માળે આવેલા ધ ક્રાઉન બૅન્ક્વેટ (આર્ય નિવાસ ટ્રસ્ટ)નો વિશાળ હૉલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આગની આ વિકરાળ જ્વાળાઓને કારણે હૉલને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ભારે કુતૂહલ સર્જાયું હતું.
આ મામલે આર્ય નિવાસ ટ્રસ્ટના ટ્રસ્ટી સંદીપ પોપટે વિગતવાર માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું  કે ‘રાત્રે ૧૧ વાગ્યે આગ લાગ્યાની પ્રાથમિક માહિતી નીચે હાજર વૉચમૅનને મળી હતી. એ સમયે સેન્ટરમાં કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ ચાલુ ન હોવાથી સમગ્ર કમર્શિયલ સેન્ટર ખાલી હતું. વૉચમૅને પોતાની તરફથી આગ ઓલવવાના પ્રાથમિક પ્રયાસો કર્યા હતા, પરંતુ છઠ્ઠા અને સાતમા માળે આગ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી હોવાથી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. રવિવારે રાતે મુલુંડ વિસ્તારમાં જ એકસાથે આગની અન્ય ત્રણ ઘટનાઓ બનવાને કારણે ફાયરબ્રિગેડની ગાડીઓને આવતાં આશરે સવા કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યાર બાદ ફાયર-અધિકારીઓની ભારે જહેમતથી એકથી દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.’
આગ ઓલવવા માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલા વિક્રોલી ફાયર-સ્ટેશનના સિનિયર ઑફિસર આશિષ અધંગલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાત્રે જુદા-જુદા વિસ્તારોમાં સળંગ આગ લાગવાની ઘટનાઓ રિપોર્ટ થઈ હોવાથી અમારાં વાહનો સતત વ્યસ્ત હતાં. વિકાસ સેન્ટરમાં આગ લાગી એ જ સમયે મુલુંડની જવાહર ટૉકીઝ પાસે આવેલા એક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ વિસ્તારમાં તેમ જ મુલુંડ-ઈસ્ટમાં પણ મોટી આગ લાગી હતી. આ કારણે ગાડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં આશરે એક કલાકનું મોડું થયું હતું. પ્રાથમિક તપાસમાં મુલુંડમાં બનેલી ત્રણેય આગની ઘટનાઓ ફટાકડાઓને કારણે જ લાગી હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું છે.’
આ અકસ્માતને કારણે ટ્રસ્ટ અને હૉલ સંચાલકો સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે, કારણ કે આગામી દિવસોમાં લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે. હૉલ બળી જવાથી આગામી બે મહિના સુધી બૅન્ક્વેટ હૉલ સંપૂર્ણપણે બંધ રાખવો પડશે જેના કારણે સંચાલકોએ અગાઉથી સ્વીકારેલાં આઠથી ૧૦ જેટલાં લગ્નો અને અન્ય પ્રસંગોના બુકિંગ્સને અન્યત્ર ટ્રાન્સફર કરવાની લાચારી ભરેલી પ્રક્રિયા હાથ ધરવી પડી છે. ફટાકડાની બેદરકારી અને આગની આ કરુણ ઘટનાથી સ્થાનિક વેપારીઓ અને સંચાલકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK