પોલીસનું માનવું છે કે તે પણ આ સ્કૅમમાં સામેલ છે, બૅન્કના ઑડિટરની પણ કરવામાં આવી પૂછપરછ
ફાઇલ તસવીર
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ બૅન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અભિમન્યુ ભોઅનની ધરપકડ કરી છે. આની સાથે પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં ત્રીજી ધરપકડ કરી છે.
પોલીસે અભિમન્યુ ભોઅનને સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવા માટે બોલાવ્યા હતા. જોકે તપાસ દરમ્યાન તે પણ આ કૌભાંડમાં સામેલ હોવાની ખાતરી થયા બાદ પોલીસે શુક્રવારે રાત્રે તેમની અરેસ્ટ કરી હતી. પોલીસનું કહેવું છે કે આ કેસમાં બીજા પણ અમુક લોકો સામેલ હોવાથી ગમે ત્યારે તેમની પણ અરેસ્ટ થઈ શકે છે.
ADVERTISEMENT
આ કેસના મુખ્ય આરોપી હિતેશ મહેતા તપાસમાં સહકાર ન આપતા હોવાનો આરોપ કરીને પોલીસે હવે તેમની લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે જેના માટે કોર્ટને રિક્વેસ્ટ કરવામાં આવશે. આ સિવાય હિતેશ મહેતાએ જેને ૪૦ કરોડ રૂપિયા આપ્યા હોવાનું કહેવાય છે એ મલાડનો બિઝનેસમૅન ઉન્નથન અરુણાચલમ ઉર્ફે અરુણભાઈ હજી પોલીસના હાથમાં આવ્યો નથી. પોલીસને તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી હિતેશ મહેતા પોતાના માણસને બૅન્કના સેફમાં મોકલતો અને ફોન કરીને તેને પચાસ લાખ રૂપિયા આપવાનું કહેતો હતો તથા આવું તેણે અનેક વાર કર્યું હતું.
આ કેસમાં પકડાયેલા કાંદિવલીના બિલ્ડર ધર્મેશ પૌને તો હિતેશ મહેતાએ તેને ૭૦ કરોડ રૂપિયા આપ્યા હોવાનો પોલીસની તપાસમાં ઇનકાર કર્યો છે. જોકે પોલીસ તેની વાત માનવા તૈયાર નથી અને તેની સાથે જોડાયેલી વ્યક્તિઓની પણ તપાસ કરી રહી છે.
પોલીસે બૅન્કનું ઑડિટ કરનારી કંપનીના પાર્ટનર અભિજિત દેશમુખનું પણ સ્ટેટમેન્ટ નોંધીને પૂછપરછ કરી છે. જોકે એણે ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાને એ પુછાવ્યું છે કે જે કંપની ઑડિટ કરે એણે કંપનીએ જેટલી કૅશ બતાવી હોય એ જાતે જઈને ચેક કરવાની હોય કે કંપનીએ બતાવેલા આંકડાને માનીને ઑડિટ કરવાનું હોય. આ પૂછવાનું કારણ એ છે કે ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના કૌભાંડમાં હિતેશ મહેતાએ કોરોનાકાળથી અત્યાર સુધીમાં બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાનું ગમન કર્યું છે.

