નાંદેડના બિલોલી ગામમાં મોબાઇલને લીધે પિતા-પુત્રના જીવ ગયા હોવાથી ખળભળાટ
પુત્રે જીવ આપી દીધો હોવાની જાણ થતાં પિતા રાજુ પેલવારે પણ આત્મહત્યા કરી.
ટીનેજરો આખો દિવસ મોબાઇલમાં સમય વિતાવતા હોવાથી પેરન્ટ્સ સંતાનોને મોબાઇલ વાપરવા બાબતે ટોકે છે ત્યારે કેટલાંક બાળકો આવેશમાં આવીને આત્મહત્યા કરી લે છે. આવી વધુ એક ઘટના મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના બિલોલી તાલુકામાં આવેલા મિણકી ગામમાં બની છે. મોબાઇલ ન મળતાં ૧૭ વર્ષના ઓમકાર પેલવાર નામના કિશોરે આત્મહત્યા કરી હતી. જોકે એનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે પુત્ર ઓમકારને મોબાઇલ ન આપતાં તેણે જીવન ટૂંકાવી નાખ્યું હોવાથી એના માટે પોતે જ જવાબદાર છે એવું માનીને ઓમકારના પિતા રાજુ પેલવારે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઇલને લીધે પહેલાં પુત્ર અને બાદમાં પિતાએ પણ ખેતરમાં જઈને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની જાણ થતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
નાંદેડ પોલીસના જણાવ્યા મુજબ ઓમકાર પેલવારે તેના પિતા રાજુ પાસે મોબાઇલની માગણી કરી હતી, પણ તેને ના પાડવામાં આવી હોવાથી ગુસ્સા અને હતાશામાં આવીને ઓમકારે તેના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બાદમાં પિતા રાજુ પેલવારે પણ આવું પગલું ભર્યું હતું.