બૉમ્બે હાઈ કોર્ટે આ કેસ CBIને સોંપી દીધો અને CBIએ હરકતમાં આવીને મુંબઈ અને મહારાષ્ટ્રના ધુરંધરો સહિત પચાસથી વધારે લોકો સામે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી. દિશા સાલિયન કોણ છે, મૂળ ઘટના શું હતી અને કેવી રીતે કેસ ફરી રીઓપન થયો એ બધી વાતો જાણો વિગતવાર
મલાડ-વેસ્ટના માલવણીમાં આવેલું રીજન્ટ ગૅલૅક્સી બિલ્ડિંગ.
બીજી સપ્ટેમ્બરની સવારે કોઈએ કલ્પના નહોતી કરી કે ૬ વર્ષ જૂનો એક કેસ મુંબઈ પોલીસની ફાઇલમાંથી ફરી એવો તે ઊખળશે જે મુંબઈથી માંડીને સેલિબ્રિટી વર્લ્ડ અને સોશ્યલ મીડિયાને ગજવી મારશે. વાત આગળ વધારતાં પહેલાં સહેજ પૂર્વભૂમિકા બાંધી લઈએ.
આપણે વાત કરીએ છીએ દિશા સાલિયન મર્ડરકેસની. ૬ વર્ષ પહેલાં બારમા માળથી પડતાં દિશાનું મોત થયું અને મુંબઈ પોલીસે આખી ઘટનાને ઍક્સિડન્ટ દેખાડીને કેસ પૂરો કર્યો. જોકે દિશા સાલિયનના પપ્પા સતીશ સાલિયન ફરી જાગ્યા અને તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં અપીલ કરી કે આ કેસની ઇન્ક્વાયરી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવે. લાંબી સુનાવણીઓ પછી મુંબઈ હાઈ કોર્ટે બીજી સપ્ટેમ્બરે ઑર્ડર કર્યો કે દિશા સાલિયન કેસ રીઓપન કરવામાં આવે અને CBI એની ઇન્ક્વાયરી કરે.
ઑર્ડરની સાથે જ CBI હરકતમાં આવ્યો અને એણે ૧૧ સપ્ટેમ્બરે સતીશ સાલિયનનું સ્ટેટમેન્ટ લીધું. ૩ કલાક ચાલેલા એ સ્ટેટમેન્ટ પછી CBIએ સૌથી પહેલું કામ દિશા સાલિયન કેસમાં મર્ડર, ગૅન્ગરેપ અને પુરાવાઓનો નાશ કરવા તથા છુપાવવાના આરોપ હેઠળ આવતી કલમ સાથે સત્તાવાર રીતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો.
CBIએ નોંધેલી આ જે નવી ફરિયાદ છે એ ફરિયાદમાં સતીશ સાલિયને જે-જે આરોપીનાં નામ લીધાં એ તમામ નામોનો પણ સત્તાવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નામોની ચર્ચા પહેલાં એ આંકડો જાણી લો.
પ૦+. હા, રોકડા ૫૦ કરતાં વધારે નામોને આરોપી ગણાવીને તેમની સામે ઇન્ક્વાયરીનો આદેશ પણ આપી દેવામાં આવ્યો. એકશ્વાસે બોલી પણ ન શકાય એવાં એ નામોમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનથી માંડીને મહારાષ્ટ્રના
પ્રધાનો, ભૂતપૂર્વ પોલીસ-કમિશનર, એક સમયના એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ એવા પોલીસ-ઇન્સ્પેક્ટર, ફિલ્મસ્ટાર્સ અને ફૉરેન્સિક એક્સપર્ટ્સનો સમાવેશ થાય છે. મીડિયા, ટીવી-ચૅનલો અને સોશ્યલ મીડિયા ફરી એક વાર ફ્રન્ટ-ફુટ પર આવી ગયાં તો ખ્યાતનામ એવા આરોપી પણ નવેસરથી બચાવમાં લાગી ગયા. દેશઆખાને ખળભળાવી દેનારી આ CBI ઇન્ક્વાયરી શરૂ થઈ છે ત્યારે એ જાણવું સૌથી રસપ્રદ છે કે ૬ વર્ષ પહેલાં બન્યું શું અને દિશાનું મોત કેવી રીતે સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયું?
ફ્લૅશબૅક
ADVERTISEMENT
૨૦૨૦ની ૮ જૂનની મધરાતે ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતની એક સમયની મૅનેજર દિશા સાલિયનનું મલાડ-વેસ્ટના માલવણીમાં આવેલા રીજન્ટ ગૅલૅક્સી બિલ્ડિંગના બારમા ફ્લોરથી પડવાથી રહસ્યમય સંજોગોમાં મોત થયું. દિશાએ રાતે એક વાગીને ૨૧ મિનિટે પોતાની લંડનની ફ્રેન્ડ સાથે વાત કરી હતી, જેનું કહેવું હતું કે દિશાની વાત પરથી સહેજ પણ લાગતું નહોતું કે તે અપસેટ કે ડિપ્રેસ હોય અને સુસાઇડ કરે. ઍનીવે, વાત કરીએ બીજી ઘટનાની.
દિશાના મોતના બરાબર ૬ દિવસ પછી એટલે કે ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂત પોતાના બાંદરાના ફ્લૅટમાં પંખા પર લટકતી હાલતમાં મળ્યો. દેખીતી રીતે લાગતું હતું કે સુશાંતે સુસાઇડ કર્યું છે.
આ એ સમયગાળો હતો જેમાં આખો દેશ કોરોના મહામારી અને લૉકડાઉન વચ્ચે જીવતો હતો. કોરોનાકાળમાં આ બે હાઈ-પ્રોફાઇલ મોતે દેશમાં સન્નાટો પ્રસરાવી દીધો, પણ કરમની કઠણાઈ જુઓ. આ બન્ને કેસનો વિવાદ આજ સુધી ચાલુ રહ્યો, પણ એમાં કોઈ પરિણામ આવ્યું નહીં. મુંબઈ પોલીસ એક જ વાત પકડીને બેસી રહી કે આ કેસમાં ખાસ કંઈ નથી ઃ ડિપ્રેશનને કારણે થયેલાં સુસાઇડ માત્ર છે. દિશા કરતાં સુશાંત મોટી હસ્તી હતો. સુશાંતના પરિવારની માગણી પર એ કેસની ઇન્ક્વાયરી CBIને સોંપવામાં આવી અને ગયા વર્ષે માર્ચમાં CBIએ સુશાંત સિંહ કેસમાં પોતાનો ક્લોઝર રિપોર્ટ આપી દીધો અને એ ઘટનાને સુસાઇડ જ ગણાવી. હવે આ જ CBIના હાથમાં દિશા સાલિયનનો કેસ આવ્યો છે અને મીડિયાના બિગ શૉટ્સનું માનવું છે કે દિશા સાલિયન કેસમાં CBI બહુ મોટાં કૌભાંડો બહાર લાવી શકે છે અને એ પછી કદાચ સુશાંત સિંહનો કેસ પણ નવેસરથી ખોલી શકે છે, કારણ કે આ બન્ને ઘટનાઓનું પહેલું પગલું જ દિશા સાલિયન કેસ હતો જે CBI હવે માંડે છે.
કોણ છે આ દિશા?
મૂળ કર્ણાટકના ઉડુપીના અને છેલ્લાં પાંત્રીસેક વર્ષથી મુંબઈમાં સેટલ થયેલા સતીશ સાલિયન અને વાસંતી સાલિયનનું એકનું એક સંતાન એવી દિશાનો જન્મ મુંબઈમાં જ થયો હતો. દિશાએ નાની ઉંમરે જ મીડિયા, ઇવેન્ટ મૅનેજમેન્ટ અને સેલિબ્રિટી મૅનેજર તરીકે પોતાની કરીઅર શરૂ કરી દીધી હતી. ૨૮ વર્ષની દિશાની ઇચ્છા હતી કે તે સેલિબ્રિટી મૅનેજમેન્ટ કંપની શરૂ કરે અને એ માટે તે ઑલરેડી ઑફિસ પણ શોધવા માંડી હતી.
દિશાએ અનેક સ્ટારના કરીઅર-મૅનેજર તરીકે કામ કર્યું હતું. પોતાના ટીવી-કનેક્શન વચ્ચે દિશા સુશાંત સિંહ રાજપૂતના કૉન્ટૅક્ટમાં આવી અને એક વર્ષથી વધારે સમય માટે સુશાંતની પણ મૅનેજર રહી. પોલીસ-રેકૉર્ડ પણ કહે છે કે કોવિડ પિરિયડમાં દિશા અને સુશાંત ૨૦૨૦ના માર્ચ મહિનામાં બે વાર રૂબરૂ મળ્યાં હતાં તો બન્ને વચ્ચેની કૉલ-ડીટેલ્સ પણ પોલીસને મળી છે. દિશાના એન્ગેજમેન્ટ ટીવી-ઍક્ટર રોહન રાય સાથે થયા હતા અને રોહન માલવણીમાં રીજન્ટ ગૅલૅક્સી બિલ્ડિંગના બારમા ફ્લોર પર રહેતો જ્યાં અવારનવાર દિશા પણ રહેવા જતી.
એ રાતે શું થયું?
૨૦૨૦ની ૮ જૂને દિશા રોહનના ફ્લૅટ પર હતી, જ્યાં દિશા અને રોહનના બીજા ફ્રેન્ડ્સ પણ આવ્યા હતા. રાતનો સમય હતો અને ઘણા વખતે બધા મળ્યા હતા એટલે પાર્ટી ચાલતી હતી. પાર્ટીમાં હાજર રહેલા અને પોલીસમાં સ્ટેટમેન્ટ આપનારા એ ફ્રેન્ડ્સનું કહેવું હતું કે રાતે દિશાએ લંડન રહેતી અંકિતા સાતુર નામની તેની ફ્રેન્ડને ફોન કર્યો, જે એક કલાક ચાલ્યો. દિશાના
ફોન-રેકૉર્ડમાં પણ ૧ વાગીને ૨૧ મિનિટે ફોન પૂરો થયો હોવાનું દેખાડે છે. એ પછી ફરીથી બધા પોતપોતાનામાં મસ્ત અને વ્યસ્ત થઈ ગયા. અહીંથી આખી શંકાસ્પદ ઘટનાઓ શરૂ થાય છે. રીજન્ટ ગૅલૅક્સીનો વૉચમૅન બિલ્ડિંગમાં લટાર મારવા નીકળ્યો ત્યારે તેને દિશા ઉપરથી પડી ગઈ છે એની જાણ થઈ અને તેણે તરત માલવણી પોલીસ-સ્ટેશનમાં ફોન કર્યો અને પોલીસ બિલ્ડિંગ પર પહોંચી ત્યારે રાતના અંદાજે ૩ વાગ્યા હતા. પોલીસે પોતાના રેકૉર્ડમાં મેન્શન કર્યું છે કે રાતના ૧.૨૧ વાગ્યા પછી કોઈ પણ સમયે દિશાનું બિલ્ડિંગની ઊંચાઈ પરથી નીચે પટકાવાથી મોત થયું.
ડેડ-બૉડીને તરત જ પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવી, જેમાં મલ્ટિપલ ઇન્જરી અને માથામાં થયેલી ઊંડી ઈજાને કારણે લોહી વહી જવાના કારણસર ડેથ થયું હોવાનું મેન્શન કરવામાં આવ્યું. જોકે એમાં દિશાના પ્રાઇવેટ પાર્ટ પર રેપનાં નિશાનો હોવાની વાતને નકારવામાં આવી, પણ નિયમાનુસાર વજાઇનલ સ્વૅપનાં સૅમ્પલ લેવામાં આવ્યાં.
ઇન્ક્વાયરીમાં શું આવ્યું?
દિશા સાલિયનના મોત પછી હજી તો મીડિયા થોડું શાંત હતું, પણ ૬ જ દિવસમાં સુશાંત સિંહ રાજપૂતની ડેડ-બૉડી મળતાં મીડિયાએ દેકારો મચાવી દીધો અને બન્ને મર્ડરને એક થિયરી સાથે જોડવાનું શરૂ કર્યું. પરિણામે દિશા સાલિયનનો સિમ્પલ ઍક્સિડન્ટ લાગતો કેસ પણ ખુલ્લો રહ્યો અને ૩ મહિના પછી મુંબઈ પોલીસે ક્લોઝર રિપોર્ટ આપતાં જાહેર કર્યું કે આ ઍક્સિડેન્ટલ ડેથ છે અને કાં તો સુસાઇડ છે. ક્લોઝર રિપોર્ટમાં એ પણ મેન્શન કરવામાં આવ્યું કે દિશા કામના સ્ટ્રેસ અને પર્સનલ પ્રૉબ્લેમ વચ્ચે હતી જેના અનેક પુરાવા મળ્યા છે એટલે સંભવતઃ આ સુસાઇડ હોઈ શકે છે.
અલબત્ત, પોલીસના રિપોર્ટને સ્વીકારવા મીડિયા તૈયાર નહોતું ત્યારે ખુદ દિશાનાં મમ્મી-પપ્પા સતીશ સાલિયન અને વાસંતી સાલિયને મીડિયા સામે આવીને સ્ટેટમેન્ટ કર્યું કે તેમને દીકરીના મોત પાછળ કોઈ ષડ્યંત્રની કે દુષ્કર્મની કોઈ શંકા નથી, અમને પોલીસની તપાસ પર પૂરો વિશ્વાસ છે. સતીશ સાલિયને તો મીડિયાને અપીલ પણ કરી કે તેમની દીકરીના નામ પર કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવવામાં ન આવે. આ સ્ટેટમેન્ટ પછી જ મુંબઈ પોલીસે દિશા સાલિયન ફાઇલ બંધ કરી. અલબત્ત, એ પછી દિશા અપમૃત્યુ કેસનું ભૂત તો હજી પણ ધૂણતું જ રહ્યું, જેને લીધે ૨૦૨૩માં મહારાષ્ટ્ર સરકારે દિશા સાલિયન કેસની ઇન્ક્વાયરી માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ એટલે કે SITની રચના કરી, પણ એ રિપોર્ટ ક્યારેય જાહેર કરવામાં આવ્યો નહીં.
યુ-ટર્ન શું કામ?
દિશા સાલિયન કેસ બંધ થયાનાં અંદાજે પાંચ વર્ષ પછી અચાનક દિશાના પપ્પા સતીશ સાલિયને ગયા વર્ષે ૧૯ માર્ચે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી આપીને માગણી કરી કે તેમની દીકરીના મોતની તપાસ ફરીથી કરવામાં આવે, કારણ કે એ સુસાઇડ નહીં પણ એક પ્રી-પ્લાન્ડ મર્ડર અને ગૅન્ગરેપ હતો. સતીશ સાલિયને એવો પણ આક્ષેપ કર્યો કે મુંબઈ પોલીસની તપાસ સંપૂર્ણપણે બોગસ હતી, દસ્તાવેજોમાં ઘાલમેલ કરવામાં આવી, CCTV કૅમેરાનાં ફુટેજ સાથે ચેડાં કરવામાં આવ્યાં અને પ્રભાવશાળી લોકોને બચાવવા માટે સત્યને દબાવી દેવામાં આવ્યું. સતીશ સાલિયને મારેલા આ યુ-ટર્ન માટે કહ્યું કે એ સમયે પણ તેમના પર કોઈ દબાણ નહોતું અને અત્યારે પણ કોઈ પ્રકારનું પૉલિટિકલ પ્રેશર નથી, પણ આ વચ્ચેના સમયગાળા દરમ્યાન બે ન્યુઝ-ચૅનલ સતત ઇન્વેસ્ટિગેશન સ્ટોરી કરીને દિશા સાલિયન કેસની જે નવી-નવી વાત બહાર લાવતી રહી એ જોઈને અમને ખાતરી થઈ કે એ સમયે જે વાતો થતી હતી એ સાચી હતી, પોલીસની ઇન્ક્વાયરી નહીં.
સતીશ સાલિયન તો ન્યુઝ-ચૅનલ રિપબ્લિક ભારતનું નામ આપીને કહે છે કે એણે પોસ્ટમૉર્ટમ સમયે હાજર રહેનારા એક હેલ્પરવાળી સ્ટિંગ-સ્ટોરી જોઈ ત્યારે જ તેમને ખાતરી થઈ ગઈ કે પોલીસે તેમની દીકરી સાથે અન્યાય કર્યો છે.
બૉમ્બે હાઈ કોર્ટમાં સતીશ સાલિયને કરેલી ઍપ્લિકેશન પર લાંબી ચર્ચા થઈ અને એ પછી બૉમ્બે હાઈ કોર્ટે બીજી સપ્ટેમ્બરે આ કેસની ઇન્ક્વાયરી CBIને સોંપવાનો ઑર્ડર કર્યો. જજમેન્ટ આપતાં પહેલાં બૉમ્બે હાઈ કોર્ટે પણ સ્વીકાર્યું કે શરૂઆતની તપાસમાં અનેક ગંભીર વિસંગતતાઓ જોવા મળી છે તો કેટલાક તર્કની તપાસ સુધ્ધાં કરવામાં નથી આવી, આવા સમયે આ કેસની ઇન્ક્વાયરી તટસ્થ તપાસ-એજન્સી એવી CBIને સોંપવી જોઈએ.
ઑર્ડર પછી ૧૧ સપ્ટેમ્બરે સતીશ સાલિયન પોતાના વકીલ નીલેશ ઓઝા સાથે CBIની ઑફિસ પર ગયા, જ્યાં સતત ત્રણથી ૪ કલાક સુધી તેમણે પોતાનું સ્ટેટમેન્ટ લખાવ્યું અને બરાબર ૪૮ કલાક પછી, ૧૩ સપ્ટેમ્બરે CBIએ બૉમ્બે હાઈ કોર્ટના આદેશ પર FIR દાખલ કર્યો, જેણે આખા બૉલીવુડ અને મહારાષ્ટ્રના રાજકારણને ધણધણાવી નાખ્યું. FIRમાં પ૦થી વધુ નામો સતીશ સાલિયને લખાવ્યાં જેમાં મુખ્ય શકમંદ તરીકે આદિત્ય ઉદ્ધવ ઠાકરેનું નામ સૌથી પહેલું લખાવ્યું તો આદિત્યને બચાવવા કાયદાનો ગેરલાભ લેવા બદલ એ સમયના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એ સમયના ગૃહપ્રધાન અનિલ દેશમુખનાં નામ પણ લખાવ્યાં. સાથોસાથ સસ્પેન્ડેડ અને છેલ્લાં પાંચ વર્ષથી તળોજા જેલમાં બંધ પોલીસકર્મી સચિન વાઝે, એ સમયના મુંબઈના પોલીસ-કમિશનર પરમબીર સિંહ, ડેપ્યુટી પોલીસ-કમિશનર વિશાલ ઠાકરે, સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, ઍક્ટર ડિનો મોરિયા અને સૂરજ આદિત્ય પંચોલી, દિશાનો ફિયૉન્સે રોહન રાય, એ સમયે માલવણી પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવતા અને આ કેસ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ, કાલિના ફૉરેન્સિક સાયન્સ લૅબના ડૉક્ટર સંજય યાદવ અને આખી ટીમ તથા રીજન્ટ ગૅલૅક્સી બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડ્સ અને છેલ્લે ઇન્ક્વાયરી કરનારી સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના કેટલાક સિનિયર અધિકારીઓનાં નામ પણ એમાં સામેલ છે.
વાત આગળ વધારતાં પહેલાં એક નાનકડી લીગલ ચોખવટ પણ જરૂરી છે કે FIRમાં નામ હોવામાત્રથી વ્યક્તિ આરોપી બની જતી નથી. તેની સામે પૂરતા પુરાવા મળે અને એ પુરાવા કોર્ટ માન્ય રાખે ત્યાર પછી જ વ્યક્તિ આરોપી બને છે.
શું બન્યું હતું દિશા સાથે?
સતીશ સાલિયનના ઍડ્વોકેટ નીલેશ ઓઝાના કહેવા મુજબ હત્યા પહેલાં દિશા સાલિયન સાથે એકદમ ક્રૂરતા સાથે ગૅન્ગરેપ થયો અને ત્યાર પછી તેને ખૂબ માર મારવામાં આવ્યો. માર ખાઈને અધમૂઈ થઈ ગયેલી દિશાનો જીવ જાય નહીં ત્યાં સુધી આરોપીઓ તેના પર ત્રાસ ગુજારતા રહ્યા અને પછી તેમણે ડેડ-બૉડી રીજન્ટ ગૅલૅક્સીના પાર્કિંગમાં એવી રીતે મૂકી દીધી જાણે કે દિશાએ ઉપરથી પડીને સુસાઇડ કર્યું હોય. નીલેશ ઓઝા કહે છે, ‘દિશાની બૉડી મળી ત્યારે તેનું મોઢું જમીન તરફ હતું. મોઢાભેર જમીન પર પડે અને એ પછી પણ તેના ચહેરાને કોઈ મોટી ઈજા ન થઈ હોય એ શક્ય જ નથી. દિશાના ગાલ, હોઠ, આંખ બધું સલામત હતું જે આટલી હાઇટથી થયેલા સુસાઇડમાં શક્ય જ નથી.’
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં રાખી દેવામાં આવેલી ખામીની બાબતમાં નીલેશ ઓઝા કહે છે, ‘દિશાની બૉડીનું ૩ દિવસ સુધી પોસ્ટમૉર્ટમ નહોતું થયું. ૩ દિવસ પછી પ્રાઇવેટ પાર્ટ પરથી સીમન ઊડી જાય. બીજી વાત, એ પોસ્ટમૉર્ટમમાં એક પણ એક્સપર્ટ ડૉક્ટર હાજર નહોતા. જે હાજર હતા એ બધા તો હેલ્પર અને અસિસ્ટન્ટ હતા. એ લોકોએ ટીવી-ચૅનલ પર પણ ઇન્ટરવ્યુ આપ્યા છે. આ જ દેખાડે છે કે દિશાના મર્ડર સાથે સંકળાયેલા લોકોને બચાવવા માટે પ્રૉપર પ્લાનિંગ થયું હતું.’
દિશાની હત્યા શું કામ?
દિશા સાલિયન નડતર શું કામ બની એ બાબતમાં ચોખવટ કરતાં ઍડ્વોકેટ નીલેશ ઓઝા કહે છે, ‘આ કહેવાતા તમામ મોટા લોકો બહુ ખરાબ કૌભાંડથી જોડાયેલા હતા અને દિશાને તેમના કૌભાંડની ખબર પડી ગઈ હતી. ચાઇલ્ડ ઍબ્યુઝથી લઈને ચાઇલ્ડ-ટ્રાફિકિંગ, ડ્રગ્સ-ટ્રાફિકિંગ અને બીજી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલા આ ધુરંધરો વિરુદ્ધ દિશા પાસે ડિજિટલ પુરાવાઓ, ફોન-રેકૉર્ડિંગ્સ અને વિડિયો-રેકૉર્ડિંગ્સ હતાં. એ વાતો બહાર ન જાય એ માટે દિશાને રસ્તામાંથી હટાવવાનું ફાઇનલ હતું, પણ દિશાએ એક ભૂલ કરી અને એ એક ભૂલને કારણે આ સત્તાધીશો અને મોટી પહોંચ ધરાવતા લોકોએ દિશા ઉપરાંત બીજી એક હત્યા પણ કરવી પડી.’
એ બીજી હત્યા એટલે સુશાંત સિંહ રાજપૂતની.
નીલેશ ઓઝા કહે છે, ‘દિશાએ તેને મળેલા પુરાવાઓ સુશાંત સિંહ રાજપૂત સાથે શૅર કર્યા અને સુશાંતે એ વાત તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને કરી. સુશાંતને ખબર નહોતી કે રિયા આદિત્ય ઠાકરે અને સૂરજ પંચોલી સાથે કનેક્ટેડ છે અને તે પોતે પણ આ બધામાં ક્રાઇમ-પાર્ટનર છે. રિયાને ખબર પડી એટલે તેણે વાત આદિત્ય ઠાકરેને કરી અને પરિણામે દિશાની સાથોસાથ સુશાંતને પણ રસ્તામાંથી હટાવવામાં આવ્યો.’
આ બન્નેને હટાવ્યા પછી સત્તાનો દુરુપયોગ કરીને બન્ને ઘટનાને નૉર્મલ સુસાઇડ તરીકે ઊભી કરવામાં આવી, ખોટા પુરાવાઓ ઊભા કરવામાં આવ્યા અને સાચા પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો.
અલબત્ત, સુશાંત સિંહ રાજપૂતના કેસની ઇન્ક્વાયરી કરનારી CBI ટીમે અગાઉ એવું કહ્યું હતું કે દિશા અને સુશાંતની ઘટના ટેક્નિકલી અલગ-અલગ છે, પણ નીલેશ ઓઝાનું કહેવું છે કે આખો દાખલો ગણવાનું જ હવે શરૂ થયું છે એટલે હવે જ્યારે નવેસરથી તપાસ શરૂ થઈ છે ત્યારે બન્ને ઘટનાઓ અને એની વચ્ચે રહેલું કનેક્શન પણ બહાર આવશે.
