Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > લક્ષ્મીજીનું માન જળવાઈ રહે એ માટે પૈસો કેવી રીતે રાખવો જોઈએ?

લક્ષ્મીજીનું માન જળવાઈ રહે એ માટે પૈસો કેવી રીતે રાખવો જોઈએ?

Published : 20 September, 2026 01:27 PM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

પૈસા રાખવાની સાચી રીત જો અપનાવવામાં આવે તો પૈસો લક્ષ્મી બનીને બરકત આપે છે

ઇલસ્ટ્રેશન

શુક્ર-શનિ

ઇલસ્ટ્રેશન


શાસ્ત્રોમાં ધનને માત્ર ભૌતિક સાધન નહીં પરંતુ શ્રી એટલે કે મહાલક્ષ્મીનું સાક્ષાત્ સ્વરૂપ માનવામાં આવ્યું છે. લક્ષ્મીજીનો સ્વભાવ ચંચળ છે; પરંતુ જે ઘરમાં ધન પ્રત્યે આદર, શિસ્ત અને યોગ્ય વ્યવહાર જળવાય છે ત્યાં ધન સ્થિર રહે છે અને નિયમિત વધે છે. 
શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર પૈસાનું સન્માન જાળવવાના અને સમૃદ્ધિ વધારવાના મુખ્ય રસ્તાઓ અને એ વાપરવાથી થતા લાભોનો ઉલ્લેખ છે. એ રસ્તાઓ બહુ સરળ છે અને પાળવા જરૂરી પણ છે. રોજબરોજના જીવનમાં થતી આ ભૂલ રોકવા માટે શું કરવું એ જાણવા જેવું છે.

થૂંક ન લગાડવું



ઘણા લોકો પૈસા ગણતી વખતે જીભ પર આંગળી લગાડીને આંગળી થૂંકવાળી કરે છે અને પૈસા ગણે છે. આવું કરવું એ શાસ્ત્રો મુજબ ધનનું સીધું અપમાન છે. નોટો ગણવા માટે પાણી કે સ્પન્જનો ઉપયોગ કરવો જોઈએ, ક્યારેય થૂંકનો ઉપયોગ ન કરવો જોઈએ. આ રીત અપનાવવાથી લક્ષ્મીજીનો અનાદર અટકે છે અને ઘરમાંથી અણધાર્યા ખર્ચાઓ ઘટે છે.


પર્સની વ્યવસ્થા અને સન્માન

પાકીટમાં ચલણી નોટોને વાળી-ચોળીને ન મૂકવી જોઈએ. એને સીધી અને ક્રમબદ્ધ ગોઠવવી. પાકીટમાં જૂનાં બિલ, દવા, નકામા કાગળ ન રાખવાં જોઈએ. ઘણાને ટૂથપિક પણ વૉલેટમાં રાખવાની આદત હોય છે જે ગેરવાજબી છે. આ ઉપરાંત પાકીટને ક્યારેય જમીન પર કે પલંગ પર પગ પાસે ન મૂકવું. જો સગવડ હોય તો ઘરે પાછા આવ્યા પછી વૉલેટ કે પર્સ, જેમાં પૈસા રાખતા હો એને મંદિરમાં મૂકી દેવું જોઈએ અને સવારે નાહી-ધોઈને, ભગવાનને પગે લાગીને વૉલેટ હાથમાં લેવું જોઈએ. મહિલાઓને બહુ આદત હોય છે કે તે પૈસાની નોટ મુઠ્ઠીમાં વાળીને લઈ જાય કે મોબાઇલમાં મૂકી દે. આ પણ ધનનું અપમાન છે. પૈસા પ્રત્યે વ્યવસ્થા જળવાતાં આર્થિક નિર્ણયશક્તિ સુધરે છે અને ધનની બચત વધે છે.


હાથોહાથ કરો આપ-લે

કોઈને પણ પૈસા આપતી કે લેતી વખતે ક્યારેય ફેંકવા નહીં કે અનાદરપૂર્વક આપવા નહીં. પૈસા હંમેશાં જમણા હાથે, નમ્રતાપૂર્વક અને બે હાથ જોડીને આપવાની ભાવના રાખવી જોઈએ. જો બે હાથ જોડીને ન આપી શકાય તો બે હાથે પૈસા આપવાનો શિરસ્તો રાખવો જોઈએ. લેવડ-દેવડમાં બરકત આવે છે અને વેપાર કે રોજગારમાં વિશ્વસનીયતા વધે છે.

પાળો દશાંશ નિયમ

શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ પોતાની આવકમાંથી ઓછામાં ઓછો દસમો ભાગ અથવા યથાશક્તિ બેથી પાંચ ટકા અબોલ જીવો, જરૂરિયાતમંદો કે ધાર્મિક કાર્યો પાછળ વાપરવા જોઈએ, કારણ કે પૈસાનો માલિક ક્યારેય કોઈ થઈ શક્યો નથી. પૈસો હંમેશાં કસ્ટોડિયન બનીને તમારી પાસે આવે છે તો તમારી પાસે આવેલા પૈસાને સદ્કાર્યમાં વાપરીને એને લક્ષ્મીનું રૂપ આપવું જોઈએ.
આવક શુદ્ધ બને છે તો સાથોસાથ કોઈના કચવાટ સાથે જો ભૂલથી પણ ધન આવ્યું હોય તો એમાં જોડાયેલો અદૃશ્ય દોષ દૂર થાય છે અને સંપત્તિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે.

સંધ્યાકાળે લેવડદેવડ ટાળો

સૂર્યાસ્ત સમયે પૈસા કોઈને ઉધાર આપવા કે ઘરમાંથી રોકડ બહાર કાઢવી શાસ્ત્રોમાં વર્જિત છે. આ સમયે તિજોરી કે કૅશબૉક્સ બંધ રાખવું. જો શક્ય હોય તો સવારના સમયે જ પૈસાનો વહીવટ કરી લેવો. એ પછી પણ જો શક્ય ન હોય અને રાતના સમયે જ પૈસા આપવા પડે એમ હોય તો મનોમન લક્ષ્મીજીની માફી માગીને લેવડદેવડ કરવી જોઈએ. રાતના સમયે આવતી લક્ષ્મીને આખી રાત મંદિરમાં રાખવાનો રસ્તો વાપરી શકાય.ધનનો પ્રવાહ બહાર જતો અટકે છે અને ઘરમાં લક્ષ્મીજીનો સ્થિર વાસ બને છે.

તિજોરીની જાળવો પવિત્રતા

અગાઉ કહ્યું છે એમ પૈસા મૂકવાની તિજોરી કે કબાટ ઉત્તર દિશા (અન્યથા પૂર્વ દિશા) તરફ ખૂલે એમ રાખવું. તિજોરીમાં લાલ કપડું પાથરીને અત્તરનો હળવો છંટકાવ કરવો અને ચાંદીનો એક સિક્કો કે કોડી રાખવી જોઈએ. આવું કરવાથી આવકના નવા રસ્તા ખૂલે છે અને નાણાકીય સ્થિરતા જળવાય છે.

ફાટેલા પૈસા ન રાખો

ઘણી વખત ફાટેલી રૂપિયાની નોટ આવી જતી હોય છે. આ નોટને ક્યારેય સાથે રાખવી નહીં. પૈસો લક્ષ્મી છે એટલે એનો અનાદર ન થઈ શકતો હોય તો એ પૈસાને મંદિરમાં મૂકી દેવા જોઈએ, પણ ફાટેલો પૈસો વૉલેટ કે પર્સમાં સાથે રાખવાનું ટાળવું જોઈએ. ફાટેલા પૈસા દરિદ્રતા લાવવાનું કામ કરે છે. આવું કરવાથી દરિદ્રતા ટળે છે અને સાથોસાથ લક્ષ્મીજીનું સન્માન જળવાયેલું રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2026 01:27 PM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK