ધારાવી રીડેવલપ કરવાના પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાસેથી દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની જમીનમાંથી જગ્યા માગી હતી.
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ
ધારાવી રીડેવલપ કરવાના પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાસેથી દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની જમીનમાંથી જગ્યા માગી હતી. એથી BMCએ ડમ્પિંગ ગ્રાઉન્ડની એ જગ્યા રાજ્ય સરકારને ૩ મહિના પહેલાં જ આપી હતી. હવે રાજ્ય સરકારે BMCને પત્ર લખીને કહ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાનના નિયમો હેઠળ BMCએ જ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પરનો કચરો સાઇન્ટિફિકલી સાફ કરીને એ જમીન રાજ્ય સરકારને આપવી. જોકે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પરના એ કચરાના ૪૦ મીટર ડુંગરને હટાવવો એટલો સહેલો નથી. ૧૯૨૭થી દેવનારના એ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરો ડમ્પ કરવામાં આવતો હતો. હવે એ જગ્યાએ ૨૦૦ લાખ ટન કચરો જમા થયો હોવાથી જો એ કાઢવાનું ચાલુ કરાય તો એ કાઢતાં પણ ૧૦ વર્ષનો સમય લાગી શકે એમ છે. વળી એ કાઢવાનો ખર્ચ પણ અંદાજે ૨૫૦૦ કરોડ આવવાનો છે એથી ધારાવી રીડેવલપમેન્ટનો આ ભગીરથ પ્રોજેક્ટ પાર કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એમ છે. ૨૦૧૬થી દેવનારમાં કચરો નથી નાખવામાં આવતો.

