કલ્યાણ-ડોમ્બિવલીમાં ૨૯ સ્ટુડન્ટ્સના નામે બૅન્ક-ખાતાં ખોલીને લાખો રૂપિયાની સાઇબર છેતરપિંડીના વ્યવહાર કરવામાં આવ્યા
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ-ડોમ્બિવલીમાં સાઇબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં કૉલેજના ૧૯થી ૨૩ વર્ષના ૨૯ વિદ્યાર્થીઓના નામે બૅન્ક-ખાતાં ખોલીને લાખો રૂપિયાનાં ગેરકાયદે ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં હોવાનો ખુલાસો થયો છે. આ મામલે કોળસેવાડી પોલીસે ગઈ કાલે બે લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ વિદ્યાર્થીઓને ડીમૅટ અકાઉન્ટ ખોલાવવાની વાત કહીને ૨૦૨૪ના અંતમાં તેમના આધાર કાર્ડ, પૅન કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો લીધાં હતાં. એ સમયે દરેક વિદ્યાર્થીને ૫૦૦ રૂપિયાની લાલચ આપવામાં આવી હતી જેને કારણે યુવાનો આરોપીઓની વાતમાં આવી ગયા હતા. દસ્તાવેજો મેળવી લીધા બાદ આરોપીઓએ વિદ્યાર્થીઓના નામે વિવિધ બૅન્કમાં ખાતાં ખોલાવ્યાં હતાં. ખાતાં ખૂલ્યા પછી ઑટોમેટેડ ટેલર મશીન (ATM) કાર્ડ અને ચેકબુક પોતાની પાસે જ રાખ્યાં હતાં અને ખાતાં પર સંપૂર્ણ ઍક્સેસ પોતાની પાસે રાખીને એમાં ટ્રાન્ઝૅક્શન કર્યાં હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.
કોળસેવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હેમંત ગુરવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાજેતરમાં વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં રહેતા ૨૯ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને સાઇબર ગુનામાં સંડોવણી અંગે નોટિસો મોકલવામાં આવી હતી. નોટિસ મળતાં જ વિદ્યાર્થીઓ ચોંકી ઊઠ્યા હતા અને પોતાનાં બૅન્ક-ખાતાંનાં સ્ટેટમેન્ટ તપાસ્યાં ત્યારે લાખો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા. વિદ્યાર્થીઓને માત્ર ૫૦૦ રૂપિયાની લાલચમાં દસ્તાવેજો આપવાની ભૂલ ભારે પડી છે અને હવે તેઓ કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. પ્રાથમિક તબક્કામાં ૨૯ વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમની અમે ફરિયાદ નોંધી છે. અમને શંકા છે કે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ આ ગોટાળામાં અજાણતાં ફસાયા હોઈ શકે છે. આરોપીઓની શોધખોળ માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને બૅન્ક-ટ્રાન્ઝૅક્શનની વિગતવાર તપાસ ચાલી રહી છે.’
