એ લોકો ગ્રાહકોને તેમના વૉટ્સઍપ પર યુવતીઓની તસવીરો પૂરી પાડતા હતા
ડાન્સ બાર
પોલીસ અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેમણે કાશીમીરામાં સેક્સ-રૅકેટમાં ફસાયેલી ત્રણ યુવતીને છોડાવીને એક કપલની ધરપકડ કરી હતી. સિનિયર ઇન્સ્પેક્ટર સમીર અહીરરાવે જણાવ્યું હતું કે ‘એમબીવીવી પોલીસની માનવતસ્કરીવિરોધી શાખાએ બુધવારે બપોરે બાતમીના આધારે કાશીમીરાના હાટકેશ ખાતે રેઇડ પાડીને એક કપલને પકડી પાડ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે આ કપલ ડાન્સ-શો યોજવાના બહાને સેક્સ-રૅકેટ ચલાવતું હતું. એ લોકો ગ્રાહકોને તેમના વૉટ્સઍપ પર યુવતીઓની તસવીરો પૂરી પાડતા હતા.’
અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘આ લોકો યુવતીઓને મુંબઈ, થાણે અને મીરા-ભાઈંદર ઉપરાંત રાજ્યની બહાર ગોવા અને બૅન્ગલોર પણ મોકલતા હતા. પોલીસે અયાન ઉર્ફે મોહમ્મદ શાહરુખ ખાન અને તેની પત્ની જ્યોતિ ઉર્ફે રેહાના સુલતાનાની ધરપકડ કરીને ત્રણ યુવતીઓને છોડાવી હતી. પોલીસે બન્ને વિરુદ્ધ માનવતસ્કરીની કલમ ૩૭૦ અને અન્ય સમાન આઇપીસીની કલમ હેઠળ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.’

