રસીકરણની તૈયારી પુરજોશમાં
ફાઈલ તસવીર
કોવિડ-19ની રસીના ડ્રાય-રનના દિવસે ‘મિડ-ડે’એ બીકેસી કોવિડ સેન્ટર, જુહુ સ્થિત કૂપર હૉસ્પિટલ અને ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં તૈયાર કરાયેલાં રસીકરણ-કેન્દ્રોની મુલાકાત લીધી હતી. રસીકરણ ઝોનમાં રાહ જોવા માટેનો એરિયા, એએફઆઇ (ઍડવર્ઝ ઇવેન્ટ ફૉલોઇંગ ઇમ્યુનાઇઝેશન – રસી લગાવ્યા પછી ઉત્પન્ન થતા પ્રતિકૂળ સંજોગોનું ધ્યાન રાખવા માટેની રૂમ), મૉનિટરિંગ રૂમ, ઇમર્જન્સી રૂમ તેમ જ વૅક્સિનેશન રૂમ છે. શહેરમાં કુલ આઠ રસીકરણ-કેન્દ્રો છે. જોકે રસીકરણનું ડ્રાય-રન માત્ર ત્રણ સ્થળોએ કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ હેલ્થ વર્કર્સને ઇમ્યુનાઇઝ કરવામાં આવશે.
કોવિન ઍપ્લિકેશનના માધ્યમથી લોકો વૅક્સિન માટે પોતાનું નામ નોંધાવશે. રસીકરણની પ્રક્રિયા દરમ્યાન એક વિશેષ પાસવર્ડ દ્વારા રસીકરણ કરનારાઓ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. રજિસ્ટર્ડ હેલ્થ વર્કર્સે નિર્દિષ્ટ સમયમાં પોતાના આધાર કાર્ડ સાથે રસીકરણના સ્થળે હાજર થવાનું રહેશે. રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૮ દિવસ બાદ રસીના બીજા ડોઝ માટે તેઓ એક ઑટોજનરેટેડ સંદેશ પોતાના મોબાઇલ પર મેળવશે.
ADVERTISEMENT
કેવી રીતે થશે વૅક્સિનેશન?
સ્ટેપ -૧. કોવિન ઍપની સહાયથી તમારા નામની નોંધણી કરાવો.
સ્ટેપ –૨. રજિસ્ટ્રેશન બાદ માન્યતા મેળવનારા લોકોએ સવારે ૧૦ વાગ્યા પહેલાં હાજર રહેવાનું.
સ્ટેપ -૩. રજિસ્ટ્રેશનના કાઉન્ટર પર આધાર અને પૅન કાર્ડની વિગતોની ચકાસણી કરવામાં આવશે.
સ્ટેપ -૪. ટોકન-નંબર ઇશ્યુ કરવામાં આવશે.
સ્ટેપ -૫. કૉમન વેઇટિંગ એરિયામાં તમારા નંબરની રાહ જુઓ.
સ્ટેપ -૬. ટૉકન નંબરથી બોલાવાય ત્યારે આગળ વધો, અહીં ફરી એક વાર રજિસ્ટર્ડ કરાયેલી એન્ટ્રીને ચકાસવામાં તેમ જ કમ્પ્યુટર રેકૉર્ડ સાથે ક્રૉસ-ચેક કરવામાં આવશે. વેઇટિંગ પિરિયડમાં જો પ્રતિકૂળ અસર થાય તો સહાય માટે ડૉક્ટરનાં નામ અને નંબર આપવામાં આવશે.
સ્ટેપ -૭. નર્સ તમને રસી આપશે.
સ્ટેપ -૮. રસીની પ્રતિકૂળ અસર નથી થતી એ જોવા માટેના વેઇટિંગ પિરિયડ દરમ્યાન તમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.
સ્ટેપ -૯. જો પ્રતિકૂળ અસર નથી થતી તો ઘરે પાછા ફરી શકો છો અને જો પ્રતિકૂળ અસર જોવા મળે તો ડૉક્ટરની સલાહ લો.
ઇમર્જન્સીના સમયમાં – રસી લેનાર જે નાગરિકો પર એની પ્રતિકૂળ અસર જોવા મળશે તેમને ઇમર્જન્સી ડેસ્ક પર લઈ જવામાં આવશે, જ્યાં બૉડી પૅરામીટર તપાસીને આગળની તકેદારી લેવાશે.

