મુંબઈ : રેલવે-સ્ટેશનો પર ફરી શરૂ કરો ટેમ્પરેચર ચેક
ટેમ્પરેચર ચેક
મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં કોરોના-ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે ત્યારે પ્રવાસી સંગઠનોએ મુંબઈનાં રેલવે-સ્ટેશનો પર થર્મલ ટેમ્પરેચર ચેક ફરી શરૂ કરવાની માગણી કરી છે. મુંબઈનાં રેલવે-સ્ટેશનો અન્ય રાજ્યોના લોકોના પ્રવેશનાં કેન્દ્રો હોવાથી ત્યાં નિયંત્રણોના અમલની અને થર્મલ ટેમ્પરેચર ચેક કરવાની શરૂઆત કરવાની માગણી મુસાફરોના સંઘો અને સંસ્થાઓ કરે છે.
યાત્રી સંઘ (મુંબઈ)ના આગેવાન અને નૅશનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય સુભાષ ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘લોકો ફેસમાસ્ક પહેરે છે કે નહીં એની તપાસ કરવા પૂરતી કાળજી અને તકેદારી પૂરતી નથી. થર્મલ ચેક કરવું પણ જરૂરી છે. ભવિષ્યમાં ટ્રેન-સર્વિસ નિયંત્રિત કરવાને બદલે હાલમાં કાળજી રાખવી જોઈએ.’
ADVERTISEMENT
અનેક રાજ્યોએ મહારાષ્ટ્રથી આવતા મુસાફરોની બાબતમાં નિયંત્રણો જાહેર કર્યાં છે. અન્ય રાજ્યોમાં જતા મહારાષ્ટ્રિયન મુસાફરોના ચેકિંગ અને ટેસ્ટિંગની જોગવાઈઓ કરવામાં આવી છે. રેલવે તંત્રે તાજેતરમાં મુસાફરોને તેઓ જે ઠેકાણે જતા હોય એ શહેર કે પ્રાંતમાં આરોગ્યની દૃષ્ટિએ કેવી સ્થિતિ પ્રવર્તે છે એની જાણકારી મેળવ્યા પછી જ ટ્રેનમાં બેસવાની સલાહ આપી હતી, જેથી ત્યાં પહોંચ્યા પછી સમસ્યા ઊભી ન થાય.
પ્રવાસી સંગઠનના અન્ય આગેવાન પ્રકાશ જોશીએ જણાવ્યું હતું કે ‘અગાઉ રેલવે-સ્ટેશનો પર પ્રવાસીઓનું થર્મલ ચેકિંગ નિયમિત કરવામાં આવતું હતું, પરંતુ કોઈ કારણસર એ કાર્યવાહી અચાનક રોકવામાં આવી છે. સુરક્ષિતતા માટે ઑક્સિમીટર વડે પણ ચેકિંગ કરવું જોઈએ.’

