કોસ્ટલ રોડ પરના BMWના અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર આદિત્ય ઓસવાલની બે સર્જરી બાદ હાલત ગંભીર પણ સ્થિર, વેન્ટિલેટર પર
કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો તે
મુંબઈના કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી BMW કાર નિર્માણાધીન પાર્કિંગ એરિયામાં ખાબકતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા આદિત્ય ઓસવાલની સ્થિતિ હજી પણ ગંભીર છે. અકસ્માતમાં પોતાના ત્રણ મિત્રોને ગુમાવનાર આ યુવકની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ICUમાં બે મોટી સર્જરીઓ કરવામાં આવી છે અને હાલ તે વેન્ટિલેટર સપોર્ટ પર છે. આ ગોઝારા અકસ્માતમાં શનય ગજ્જર, ધૈર્ય શેઠ અને આદિત્ય જકાસણિયાનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. કાટમાળમાંથી જીવતો બહાર કઢાયેલા આદિત્ય ઓસવાલને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક નાયર હૉસ્પિટલ ખસેડાયો હતો, જ્યાંથી વધુ સ્પેશ્યલ ટ્રૉમા કૅર સારવાર માટે પરિવારજનો દ્વારા તેને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આદિત્ય પર એક ઇમર્જન્સી એક્સપ્લોરેટરી લેપ્રોટોમી કરવામાં આવી હતી. અકસ્માતની તીવ્રતાને કારણે પેટના અંદરના અંગોમાં થયેલા નુકસાન અને આંતરિક રક્તસ્રાવની તપાસ માટે આ સર્જરી હાથ ધરાઈ હતી. તપાસ દરમ્યાન શરીરના નીચેના ભાગમાંથી હૃદય તરફ લોહી લઈ જતી મુખ્ય નસમાં લોહીની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે તેનું સતત મેડિકલ મૉનિટરિંગ જરૂરી બન્યું છે. ત્યાર બાદ તેની સ્થિતિને સ્થિર કરવા માટે બીજી સર્જરી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
