કાશીગાવમાં ફૉરેસ્ટ વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ૩ આરોપીઓની ધરપકડ.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કાશીગાવ વિસ્તારમાં ફૉરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંયુક્ત અને સફળ ઑપરેશનમાં કરોડો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે ફૉરેસ્ટ વિભાગના અધિકારી યુવરાજ જોશી દ્વારા કાશીગાવ પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાતમીના આધારે કાશીગાવના દેઢિયા પેટ્રોલ-પમ્પ પાસે ગોઠવાયેલા સફળ છટકામાં પોલીસે ૩ શંકાસ્પદ માણસોને પકડી પાડ્યા હતા. તેઓ ગેરકાયદે રીતે સાપના ઝેરનો વેપાર કરવા માટે આવ્યા હતા.
કાશીગાવ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેમની પાસેથી મોબાઇલ ફોન, બર્ગમૅન મોટરસાઇકલ અને કાચની બૉટલોમાં ભરેલું કોબ્રા સાપનું ઝેર મળી આવ્યાં હતાં. આરોપીઓની ઓળખ ફૈઝાન અબ્દુલ અઝીઝ, અબ્દુલ કરીમ રશીદ અહમદ શેખ અને મોહમ્મદ દાનિશ ફઈમ ખાન તરીકે થઈ છે. તપાસ દરમ્યાન આશરે ૨૫૦ મિલિગ્રામ અને ૧૦ મિલિગ્રામ વજન ધરાવતી સાપના ઝેરની બૉટલો મળી આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત પાંચ કરોડ રૂપિયાથી વધુ હોવાનું આંકવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત અંદાજે ૫,૨૧,૮૦,૧૦૦ રૂપિયા થાય છે. આરોપીઓ પાસે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સાપનું ઝેર વેચવાનો, ખરીદવાનો કે પોતાની પાસે રાખવાનો કોઈ પણ કાયદેસરનો પરવાનો નહોતો. પ્રાથમિક તપાસમાં આ ઝેર માનખુર્દના ચિત્તાકૅમ્પ વિસ્તારમાં રહેતા ફારુક નામના માણસ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવ્યું છે. અમે તમામ પદાર્થો અને વાહનોને સીલ કર્યાં છે.’
