બદલાપુર એન્કાઉન્ટર કેસમાં હાઈ કોર્ટે સ્ટેટ ગવર્નમેન્ટને પૂછ્યો સીધોસટ સવાલ : આની સામે સરકાર તરફથી હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ અમિત દેસાઈએ કોર્ટને કહ્યું કે મૅજિસ્ટ્રેટે કરેલા નિરીક્ષણને FIR રજિસ્ટર કરવા માટે આધાર ગણી ન શકાય
અક્ષય શિંદે
બદલાપુર એન્કાઉન્ટર કેસમાં મહારાષ્ટ્ર સરકાર પોલીસના પાંચ અધિકારીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવા માગે છે કે નહીં એવો પ્રશ્ન ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે પૂછ્યો હતો. બદલાપુરમાં બે બાળકીઓ સાથે જાતીય અત્યાચારના કેસમાં પકડાયેલા અક્ષય શિંદેનું પોલીસે એન્કાઉન્ટર કર્યા બાદ એની તપાસ કરવા માટે કોર્ટે મૅજિસ્ટ્રેટને કહ્યું હતું. મૅજિસ્ટ્રેટે પોતાના રિપોર્ટમાં એન્કાઉન્ટર વખતે હાજર રહેનારા પાંચેય પોલીસ-ઑફિસરો સામે FIR નોંધવાનું સૂચન કર્યું હતું.
રાજ્ય સરકારે ગઈ કાલે ફરી એક વાર કોર્ટને કહ્યું હતું કે ‘એણે અલાહાબાદ હાઈ કોર્ટના નિવૃત્ત જસ્ટિસની અધ્યક્ષતામાં એક કમિશનની નિમણૂક કરી છે તેમ જ પોલીસ-શૂટઆઉટની ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
આ સાંભળીને જસ્ટિસ રેવતી ડેરે અને જસ્ટિસ નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે પૂછ્યું હતું કે ‘અમે એ જાણવા માગીએ છીએ કે જ્યારે મૅજિસ્ટ્રેટે એનો રિપોર્ટ આપી દીધો છે ત્યારે રાજ્ય સરકાર આ બાબતે શું કરવા માગે છે. અમારો એ પણ પ્રશ્ન છે કે મૅજિસ્ટ્રેટના રિપોર્ટના આધારે FIR દાખલ કરવો રાજ્ય સરકાર માટે અનિવાર્ય છે કે નહીં? સરકાર FIR નોંધવા માગે છે કે નહીં? હા કે નામાં જવાબ આપો.’
આના જવાબમાં સરકાર તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ અમિત દેસાઈએ કહ્યું હતું કે ‘કમિશનની સાથે રાજ્ય સરકાર પણ CID મારફત સ્વતંત્ર તપાસ કરાવી રહી છે અને એને એવું લાગી રહ્યું છે કે એ કાયદા મુજબ પોતાનું કામ કરી રહી છે. મૅજિસ્ટ્રેટે કરેલા નિરીક્ષણને FIR રજિસ્ટર કરવા માટે આધાર ગણી ન શકાય. અત્યારે જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે મૅજિસ્ટ્રેટના રિપોર્ટના આધારે FIR દાખલ કરવાનું કહેવું કોર્ટ માટે અનુમતિપાત્ર નથી.’
સરકારી પક્ષની દલીલ બાદ કોર્ટ ૧૦ માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી હતી. આ કસ્ટોડિયલ ડેથ હોવાથી કાયદા મુજબ મૅજિસ્ટ્રેટે એની તપાસ કરીને રિપોર્ટ હાઈ કોર્ટને સુપરત કરવાનો હોય છે. મૅજિસ્ટ્રેટે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે અક્ષય શિંદેનાં માતા-પિતાએ બનાવટી એન્કાઉન્ટરના જે આરોપ મૂક્યા છે એમાં તથ્ય હોય એવું લાગી રહ્યું છે.

