Bomb Threats In Flights: અકાસા ઍર અને ઈન્ડિગોની પાંચ-પાંચ ફ્લાઈટને મળી ધમકી, વિસ્તારા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની એક-એક ફ્લાઈટમાં પણ બૉમ્બ હોવાની ધમકી મળી હતી
પ્રતીકાત્મક તસવીર
ફ્લાઇટ્સ પર બૉમ્બની ધમકીઓ (Bomb Threats In Flights) મળવાનો સિલસિલો ચાલુ જ છે. શનિવારે ૧૨ વિમાનોમાં બૉમ્બની ધમકી મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો. આ સતત ધમકીઓ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. એરલાઈન્સનેબૉમ્બની ધમકીના કોલ સતત વધી રહ્યા છે. ઈન્ડિગો (Indigo)ના ૫ વિમાનોને આજે ફરી બૉમ્બ (Bomb Threat In Indigo)ની ધમકી મળી છે. તમામ વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર અત્યાર સુધીમાં કુલ ૩ ફ્લાઈટ્સ લેન્ડ થઈ છે. અત્યાર સુધીમાં બૉમ્બની ધમકીના ૭ કોલ આવ્યા છે. ઈન્ડિગોની ૫ ફ્લાઈટને આ ધમકી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શનિવારે અકાસા ઍર (Akasa Air) અને ઈન્ડિગોની પાંચ-પાંચ ફ્લાઈટને બૉમ્બની ધમકી મળી છે. આ સિવાય વિસ્તારા (Vistara) અને એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)ના એક-એક એરક્રાફ્ટને આવા ખતરાનો સામનો કરવો પડ્યો હતો.
તહેવારોની સિઝનમાં ફ્લાઈટમાં બૉમ્બની ધમકીના ફોન જાણે આજકાલ સામાન્ય બની ગયા છે. આવા સમાચારો દરરોજ બહાર આવી રહ્યા છે. સોમવારથી અત્યાર સુધીમાં ૭૦થી વધુ ફ્લાઈટ્સને બૉમ્બની ધમકી મળી છે. આજે સવારે એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) અને વિસ્તારા એરલાઈન્સ (Vistara Airlines)ને પણ બૉમ્બની ધમકી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ઈન્ડિગોને મળી ધમકી
ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘અમે મુંબઈથી ઈસ્તાંબુલ જતી ફ્લાઈટ 6E17 સાથે સંકળાયેલી પરિસ્થિતિથી વાકેફ છીએ. અમારા મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે સંબંધિત સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી સાવચેતીઓ રાખવામાં આવી રહી છે.’ ઈન્ડિગોએ ફ્લાઇટ 6E11 માટે પણ આ જ નિવેદન આપ્યું છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation – DGCA) તમામ કોલ પર સતત નજર રાખી રહ્યું છે. મંત્રાલયો અને વિભાગો વચ્ચે આંતરિક સંચાર અને વિગતોનું આદાન-પ્રદાન કરવામાં આવી રહ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને બૉમ્બની ધમકી આપવામાં આવી છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને પણ મળી છે ધમકી
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX-196 દુબઈ (Dubai)થી જયપુર (Jaipur) જઈ રહી હતી, તેમાં ૧૮૯ મુસાફરો સવાર હતા. ફ્લાઈટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી. પ્લેન બપોરે ૧.૨૦ વાગ્યે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ (Jaipur International Airport) પર લેન્ડ થયું હતું. સુરક્ષા દળોએ ઝીણવટભરી તપાસ કરી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. જો કે એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
બૉમ્બની ધમકી મળ્યા બાદ અત્યાર સુધીમાં કુલ ૩ ફ્લાઈટ્સ દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર લેન્ડ થઈ છે.
વિસ્તારા ધમકીમાંથી નથી બાકાત
દિલ્હી (Delhi)થી લંડન (London) જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી ફ્લાઈટને ફ્રેન્કફર્ટ (Frankfurt) તરફ વાળવામાં આવી હતી. ફરજિયાત સુરક્ષા તપાસ બાદ વિમાનને લંડન રવાના કરવામાં આવ્યું છે. એરલાઇનના પ્રવક્તાએ કહ્યું કે, ૧૮ ઓક્ટોબરે દિલ્હીથી લંડન જતી ફ્લાઈટમાં સોશિયલ મીડિયા દ્વારા બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટને ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, તાજેતરના દિવસોમાં લગભગ ૪૦ ફ્લાઈટને બૉમ્બની ધમકી મળી છે. જો કે તપાસમાં આ તમામ નકલી હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ ધમકીઓને કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરીને કેન્સલ કરવી પડી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, બૉમ્બની ધમકી આપનાર વ્યક્તિને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવી શકે છે. જો આમ થશે તો આરોપીઓ ફ્લાઇટમાં જઈ શકશે નહીં.