સાડાચાર વર્ષ પહેલાંની ભિવંડીની ઘટનામાં મૌલાનાએ કિશોરના શરીરના ટુકડા કરિયાણાની દુકાનની નીચે દાટ્યા હોવાની માહિતી મળતાં ધરપકડ કરવામાં આવી
ધરપકડ કરવામાં આવેલો મૌલાના બાંગી ગુલામ રબ્બાની શેખ અને જીવ ગુમાવનારો શોએબ શેખ.
ભિવંડીના નેહરુનગર પરિસરમાં રહેતો ૧૭ વર્ષનો શોએબ શેખ ૨૦૨૦ની ૨૦ નવેમ્બરથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. પરિવારને શોએબનું અપહરણ થયું હોવાની શંકા હતી એટલે ભિવંડી સિટી પોલીસે આ સંબંધી ફરિયાદ નોંધી હતી. ૨૦૨૩ સુધી શોએબનો પત્તો નહોતો લાગ્યો, પણ સ્થાનિક રહેવાસીઓએ નેહરુનગર પરિસરમાં આવેલી મસ્જિદના મૌલાના બાંગી ગુલામ રબ્બાનીએ શોએબની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે એ સમયે મૌલાનાને પોલીસ-સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો. જોકે પોલીસ-સ્ટેશનમાં એ સમયે મોટી સંખ્યામાં લોકો અચાનક આવી પહોંચતાં મૌલાના પલાયન થઈ ગયો હતો. પોલીસે મૌલાનાને શોધવાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા.
થાણે ક્રાઇમ બ્રાન્ચના પ્રૉપર્ટી સેલના સિનિયર ઇન્સ્પેક્ટર ગોરખનાથ ઘાર્ગેએ કહ્યું હતું કે ‘શોએબ શેખની હત્યા કરીને પલાયન થઈ ગયેલો મૌલાના બાંગી ગુલામ રબ્બાની આસામમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ અમારી ટીમે તેની સોમવારે ધરપકડ કરી હતી અને મુંબઈ લાવવામાં આવ્યો હતો. આરોપી મૌલાનાની પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે મૌલાનાની નેહરુનગરમાં કરિયાણાની દુકાન છે. આ દુકાનમાં મૌલાના એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો હતો એ શોએબ શેખ જોઈ ગયો હતો. શોએબ આ વાતની જાણ બધાને કરી દેશે એવા ડરથી મૌલાનાએ તેની હત્યા કરી હતી. બાદમાં કરિયાણાની દુકાનમાં જ શોએબના મૃતદેહના ટુકડા કર્યા હતા. માથું અને ધડ દુકાનની અંદર જ ખાડો ખોદીને દાટી દીધાં હતાં, જ્યારે શરીરનાં બાકીનાં અંગ કચરાપેટીમાં ફેંકી દીધાં હતાં. પોલીસે કરિયાણાની દુકાનની નીચેની જમીનમાંથી શોએબ શેખનું માથું અને ધડ કાઢીને ફૉરેન્સિક લૅબોરેટરીમાં મોકલી આપ્યાં છે.


