Baba Siddqui Murder: બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસો બાદ ક્રાઈમ બ્રાન્ચે બાંદ્રામાં ચાલી રહેલા એસઆરએ પ્રોજેક્ટ વિશે એસઆરએ ઓથોરિટી પાસેથી માહિતી માંગી હતી
બાબા સિદ્દીકીની ફાઇલ તસવીર
પૂર્વ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party)ના નેતા બાબા સિદ્દીકી (Baba Siddqui)ની ૧૨ ઑક્ટોબરે હત્યા કરવામાં આવી હતી. બાબાની હત્યા (Baba Siddqui Murder)ની તપાસમાં હજી સુધી કોઈ મોટી સફળતા મળી નથી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime Branch) ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ની ભૂમિકાની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, પોલીસને લાગે છે કે આ હત્યા ગેંગના હિટ લિસ્ટમાં રહેલા અભિનેતા સલમાન ખાન (Salman Khan)ને મેસેજ મોકલવા માટે કરવામાં આવી હતી. કારણકે બાબા અને સલમાન ગાઢ મિત્રો હતા. બાબા સિદ્દીકી મર્ડર કેસમાં અત્યાર સુધી સલમાન ખાન સાથે તેમના નજીકના સંબંધો જ સામે આવી રહ્યા હતા. પરંતુ હવે આ કેસમાં એક નવો એંગલ પણ સામે આવ્યો છે, મુંબઈ પોલીસ (Mumbai Police) તે એંગલથી પણ હત્યાની તપાસ કરી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી - એસઆરએ (Slum Rehabilitation Authority - SRA) પ્રોજેક્ટના એંગલથી હત્યાની તપાસ શરૂ કરી છે.
બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસો બાદ ક્રાઈમ બ્રાન્ચે બાંદ્રા (Bandra)માં ચાલી રહેલા એસઆરએ પ્રોજેક્ટ વિશે એસઆરએ ઓથોરિટી પાસેથી માહિતી માંગી હતી. જે બાદ હવે SRAએ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માંગવામાં આવેલી માહિતી પોલીસને પૂરી પાડી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકી (Zeeshan Siddiqui)એ સંકેત આપ્યો હતો કે તેના પિતાની હત્યા પાછળ એસઆરએ પ્રોજેક્ટને લઈને વિવાદ હોઈ શકે છે.
ADVERTISEMENT
ક્રાઈમ બ્રાન્ચે બાંદ્રા (પૂર્વ)માં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ્સ હાથ ધરતા કેટલાક વિકાસકર્તાઓની ભૂમિકાની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટ સાથે જોડાયેલા ઘણા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી ઓફિસમાંથી દસ્તાવેજો એકત્ર કર્યા છે. અત્યાર સુધી અમે હત્યાના હેતુ વિશે કોઈ નિષ્કર્ષ કાઢવામાં સક્ષમ નથી.’
બાબાના પુત્ર અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ ઉઠાવેલી શંકાના આધારે, અધિકારીઓ આગામી દિવસોમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટ્સ સાથે વધુ બિલ્ડરોની પૂછપરછ કરવાનું વિચારી રહ્યા છે. ઝીશાને તેની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે બાંદ્રા (પૂર્વ)માં વિવાદાસ્પદ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટને કારણે તેના પિતાને નિશાન બનાવવામાં આવ્યા હતા.
બાબા સિદ્દીકી અને તેમનો પુત્ર ઝિશાન સિદ્દીકી બાબાની હત્યા પહેલા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ - બીકેસી (Bandra Kurla Complex - BKC)માં બે ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ, સંત જ્ઞાનેશ્વર નગર (Sant Dnyaneshwar Nagar) અને ભારત નગર (Bharat Nagar) સામે મહિનાઓથી વિરોધમાં હતા. હકીકતમાં, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પુનઃવિકાસ પછી કયા કદના મકાનો મળશે તે જણાવવામાં આવ્યું ન હતું.
આ કિસ્સામાં, ઝીશાન સિદ્દીકી પર મુંબઈ પોલીસે ઓગસ્ટમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીના અધિકારીઓને મુખ્ય બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં સૂચિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સર્વે કરવામાં અવરોધ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. તેમને મળેલી ધમકીઓને કારણે સિદ્દીકીની સુરક્ષા પાછળથી વધારી દેવામાં આવી હતી અને સપ્ટેમ્બરના મધ્યમાં એક વધારાના કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરનારી ટીમ આ પાસાને પણ જોઈ રહી છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘ખેરવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર પણ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની દૃષ્ટિએ છે. અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ.’