પિતાના મર્ડરકેસની ચાર્જશીટમાં ચાર પાનાંનો જવાબ નોંધાવ્યો એમાં કહ્યું કે આ નેતાઓ બાબા સિદ્દીકી સાથે નિયમિત સંપર્કમાં હતા
ઝીશાન સિદ્દીકી
બાબા સિદ્દીકીની હત્યાના મામલામાં મુંબઈ પોલીસે સોમવારે કોર્ટમાં ૪૫૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાને ચાર પાનાંનો જવાબ નોંધાવ્યો હતો. એમાં પિતા શિવસેનાના વિધાન પરિષદના સભ્ય અનિલ પરબ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મોહિત કમ્બોજ સાથે નિયમિત સંપર્કમાં રહેતા હોવાનું જણાઈ આવ્યું છે. આથી ગયા વર્ષે ૧૨ ઑક્ટોબરે બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી એ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઝીશાન સિદ્દીકી પિતાની હત્યાની તપાસમાં સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ના ઍન્ગલને પણ સામેલ કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. તેણે પોલીસને આપેલા ચાર પાનાંના જવાબમાં નોંધાવ્યું છે કે ‘મારા પિતાના મુંબઈના કેટલાક જાણીતા બિલ્ડરો સાથે નજીકના સંબંધ હતા. ઉદ્ધવસેનાના નેતા અનિલ પરબ SRA પ્રોજેક્ટમાં પોતાના બિલ્ડરોને લાવવાનો પ્રયાસ કરતા હતા. બાબા દરરોજ ડાયરી લખતા હતા એમાં આનો ઉલ્લેખ છે. હત્યા થઈ હતી એ સાંજે પાંચથી છ વાગ્યા દરમ્યાન BJPના નેતા મોહિત કમ્બોજ સાથે બાબાએ વૉટ્સઍપ પર મેસેજથી વાત કરી હતી. મોહિત કમ્બોજે એક બિલ્ડર સાથેની અગાઉ વાતચીત થઈ હતી એ વિશે બાબાને મેસેજ કર્યો હતો.’
આરોપ સિદ્ધ કરવા પડશે : અનિલ પરબ
ઉદ્ધવસેનાના વિધાન પરિષદના સભ્ય અનિલ પરબે ઝીશાન સિદ્દીકીએ પોલીસને આપેલા નિવેદન વિશે કહ્યું હતું કે ‘અમે જે SRAની બેઠકમાં ગયા હતા ત્યાં કૃણાલ સરમળકર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પદાધિકારી પણ હતા. એ સર્વપક્ષીય બેઠક હતી. હું પોલીસની તપાસ માટે તૈયાર છું. તેમને તમામ ઍન્ગલથી તપાસ કરવાની છૂટ છે. આરોપ કરવાથી નહીં ચાલે, આરોપ પુરવાર કરવા પડશે. બાબા સિદ્દીકી સાથે કોના સંબંધ હતા, કયા સંદર્ભમાં વાતચીત થઈ એ તપાસવું જોઈએ.’
ચાર્જશીટમાં મારું નામ નથી : મોહિત કમ્બોજ
ઝીશાન સિદ્દીકીએ પોલીસમાં નોંધાવેલા નિવેદન વિશે BJPના નેતા મોહિત કમ્બોજે ગઈ કાલે કહ્યું હતું કે ‘બાબા સિદ્દીકીના હત્યાકાંડની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે એમાં મારું નામ નથી. ઝીશાનનું કહેવું છે કે મેં બાબા સાથે તેમની હત્યાના દિવસે (૧૨ ઑક્ટોબર, ૨૦૨૪) વાતચીત કરી હતી એ સાચું છે. અમે અઠવાડિયામાં ઓછામાં આછા બે-ચાર વખત રાજકારણ સહિત બીજા મુદ્દાઓ પર વાતચીત કરતા. તેમની હત્યા ચોંકાવનારી છે. પોલીસે આ મામલામાં તમામ પાસા સામે લાવવા જોઈએ. હત્યાકાંડના આરોપીઓને આકરી સજા થવી જોઈએ.’

