૧ એપ્રિલ ૨૦૨૫થી ૧૭ માર્ચ ૨૦૨૬ દરમ્યાન અશોક ખરાતને કોના ફોન આવ્યા અને કોને ફોન થયા એનો રેકૉર્ડ મેળવ્યો હોવાનો દાવો કરીને સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ મચાવી સનસનાટી : અંજલિ દમણિયાએ અશોક ખરાતનો કૉલ ડીટેલ રેકૉર્ડ મેળવ્યો હોવાનો ઘટસ્ફોટ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સામાન્ય મોબાઇલથી અશોક ખરાત સાથે ૧૭ વખત વાત કરી હતી
કી હાઇલાઇટ્સ
- એકનાથ શિંદેમાં ૧૦ ઇનકમિંગ અને ૭ આઉટગોઇંગ કૉલ હતા
- BJPના ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલારે, NCPના સુનીલ તટકરેએ પણ લંપટ જ્યોતિષીને ફોન કર્યાનો દાવો
- NCPનાં રૂપાલી ચાકણકરે તો ૧૭૭ અને તેમની બહેને ૨૩૬ ફોન કર્યા હતા
મહિલાઓના જાતીય શોષણની સાથે નાણાકીય છેતરપિંડીના ગુનાઓનો આરોપ ધરાવતા સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાતનાં ઘણાં કાળાં કાર્યો બહાર આવી રહ્યાં છે. સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ ગઈ કાલે અશોક ખરાત કેસમાં સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે મને અશોક ખરાતના કૉલ ડીટેલ રેકૉર્ડ (CDR)ની કૉપી મળી છે. એની માહિતી ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમણે આપી છે.
અંજલ દમણિયાએ દાવો કર્યો હતો કે ૨૦૨૫ની ૧ એપ્રિલથી ૨૦૨૬ની ૧૭ માર્ચ સુધીનો અશોક ખરાતનો CDR તેમની પાસે આવી ગયો છે. રૂપાલી ચાકણકરે તેમના ગુરુ અશોક ખરાતને ૧૭૭ કૉલ કર્યા હતા. પ્રતિભા ચાકણકરે અશોક ખરાતને ૨૩૬ કૉલ કર્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સામાન્ય મોબાઇલથી અશોક ખરાત સાથે ૧૭ વખત વાત કરી હતી. એમાં ૧૦ ઇનકમિંગ અને ૭ આઉટગોઇંગ કૉલ હતા. આમાં અશોક ખરાત અને એકનાથ શિંદે વચ્ચે લગભગ ૨૧ મિનિટ સુધી વાતચીત થઈ હોવાનો આરોપ અંજલિ દમણિયાએ લગાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને પ્રધાન ચંદ્રકાંત પાટીલે પણ તેમને ફોન કર્યા હતા. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સંસદસભ્ય સુનીલ તટકરેએ અશોક ખરાતને ૮ વખત ફોન કર્યા હતા.
ADVERTISEMENT

રૂપાલી ચાકણકરે અશોક ખરાતને ૧૭૭ કૉલ કર્યા હોવાનો દાવો અંજલિ દમણિયાએ કર્યો હતો
અંજલિ દમણિયાએ દાવો કર્યો હતો કે પ્રધાન અને BJPના નેતા આશિષ શેલારે અશોક ખરાતને એક ફોન કર્યો હતો.
અશોક ખરાત સાથે કોણે કેટલો સમય વાત કરી?
અજંલી દમણિયાએ કહ્યું હતું કે ‘અમને CDR પરથી જાણવા મળ્યું હતું કે અશોક ખરાત સાથે સૌથી વધુ કોણે વાત કરી. પહેલું નામ તૃપ્તિ ખરાતનું છે. બીજા નંબરે રૂપાલી ચાકણકરે ૩૩,૭૨૭ સેકન્ડ સુધી અશોક ખરાત સાથે વાત કરી હતી.’
અંજલિ દમણિયાએ માગણી કરી હતી કે ‘આ સમયે તેમની ધરપકડ કરવામાં આવે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવે. આટલા લાંબા સમય સુધી કોઈ ગુરુ સાથે વાત કરતું નથી. દીપક લોંઢે ત્રીજું નામ છે. દીપક લોંઢેંના ૧૮૯ ફોન આવ્યા હતા. ૩૦,૫૨૯ સેકન્ડ માટે કૉલ કરવામાં આવ્યા હતા. અશોક ખરાતને કતર, અમેરિકા, વર્જિન આઇલૅન્ડ જેવા દેશોમાંથી પણ કૉલ આવ્યા હતા.’
