સાયન રેલવે-સ્ટેશન પર ધોળે દિવસે આંગડિયાની પેઢીનો યુવાન લૂંટાયો
પ્રતીકાત્મક તસવીર
દાદર-વેસ્ટના શૈતાન ચોકી પોલીસ-સ્ટેશન નજીક આંગડિયાની પેઢી ચલાવતા ૨૪ વર્ષના નેપાલ સિંહ રાજપૂતને સોમવારે બપોરે લડકી કો છેડતા હૈ એમ કહીને ધમકાવીને ત્રણ લોકોએ માર મારીને ૧૯ લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હોવાની ફરિયાદ દાદર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં નોંધવામાં આવી હતી. ધોળે દિવસે ભરચક રેલવે-સ્ટેશનની અંદર પ્રવેશી આરોપીઓએ બિન્દાસ લૂંટને અંજામ દેતાં પ્રવાસીઓની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. જોકે લૂંટની ઘટના સામે આવ્યા બાદ રેલવે ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત લોકલ પોલીસ-સ્ટેશને આરોપીને પકડવા વિવિધ ટીમો બનાવી અલગ-અલગ ઍન્ગલથી તપાસ હાથ ધરી છે.
સાયન રેલવે-સ્ટેશન પર પ્લૅટફૉર્મ નંબર-બેનો બ્રિજ ઊતરી રહ્યો હતો ત્યારે ત્રણ લોકોએ એકાએક મને પકડી-ધમકાવીને પૈસા લૂંટી લીધા હતા એમ જણાવતાં નેપાલસિંહ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા મામા મદનસિંહ રાજપૂત સાથે દાદરમાં આંગડિયાની પેઢી ચલાવું છું. મંગળવારે બપોરે સાડાચાર વાગ્યાની આસપાસ ધારાવીમાંથી મેં ૧૯ લાખ રૂપિયાની રોકડ લીધી હતી જે મારે દાદર-ઑફિસ પર લઈ જવાની હતી. એ માટે પૈસા લીધા બાદ હું ચાલતો સાયન સ્ટેશન પહોંચી પ્લૅટફૉર્મ નંબર -બેનો બ્રિજ ઊતરી રહ્યો હતો ત્યારે પાછળથી બે યુવાનો આવ્યા હતા. તેમણે લડકી કો છેડતા હૈ એમ કહી મને ધમકાવવાની કોશિશ કરી હતી. હું તેમની સાથે વાત કરું એટલી વારમાં ત્રીજો માણસ આવ્યો હતો અને તેણે મારા મોઢા પર પંચ માર્યો હતો એટલે મારી આંખમાં ખૂબ જ દુખાવો થતો હતો. એ જોઈને ત્રણે લોકો મારા હાથમાં રાખેલી ૧૯ લાખ રૂપિયાની રોકડની બૅગ લઈને ત્યાંથી પ્લૅટફૉર્મની બહાર ભાગી ગયા હતા. હું તેમની પાછળ દોડ્યો હતો. જોકે જ્યાં સુધી હું પ્લૅટફૉર્મની બહાર આવું ત્યાં સુધીમાં તેઓ નાસી ગયા હતા. અંતે મેં દાદર GRPમાં ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
આરોપીને શોધવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે એમ જણાવતાં દાદર GRPના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે વિસ્તારમાં ઘટના બની છે એ વિસ્તાર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કવર થતો નથી. જોકે સ્ટેશનનાં બીજાં CCTV તેમ જ સ્ટેશનની બહારનાં CCTVમાં આરોપી દેખાઈ આવ્યા છે. આરોપીઓ ધારાવીમાંથી જ્યારે ફરિયાદી પૈસા લઈને નીકળ્યો ત્યારે તેની પાછળ આવતા દેખાઈ રહ્યા છે. આ લૂંટ પ્રી-પ્લાન્ડ હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જૉઇન્ટ તપાસ કરી રહી છે. હાલ અમે આરોપી સુધી પહોંચી શક્યા નથી.’

