BKCની એક કંપનીમાં કામ કરતા એક કલ્યાણવાસીએ સાઇબર બ્લૅકમેઇલિંગથી કંટાળીને જીવ આપી દીધોઃ વર્ષભર ધમકી આપીને તેની પાસેથી ૧૦ લાખથી વધુ રૂપિયા ઉઘરાવ્યાનો પોલીસતપાસમાં થયો ખુલાસો
આત્મહત્યા કરનાર હેમંત પાંડે.
કલ્યાણ-ઈસ્ટના કૈલાશનગરમાં આવેલા મયંક અપાર્ટમેન્ટમાં રહેતા ૪૫ વર્ષના હેમંત પાંડેએ સાઇબર ગઠિયાઓઓની સતામણીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસતપાસમાં થયો છે. આ મામલે કોળસેવાડી પોલીસે ગઈ કાલે અજાણ્યા સાઇબર ગઠિયાઓ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સ્થિત એક ફાઇનૅન્સ કંપનીમાં ઝોનલ ઑફિસર તરીકે કાર્યરત હેમંત પાંડેએ ૭ જાન્યુઆરીએ સાંજે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ પોલીસે તપાસના ભાગરૂપે હેમંતનું લૅપટૉપ અને મોબાઇલ જપ્ત કરીને ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન સાઇબર છેતરપિંડીથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં થાણે સાઇબર વિન્ગ પણ વધુ તપાસમાં જોડાઈ છે.
કોળસેવાડી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે ઝીણવટભરી તપાસ કરી હતી. તાજેતરમાં અમે અજાણ્યા સાઇબર ગઠિયા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. થાણે સાઇબર સેલે પણ આરોપીને પકડવા માટે વિશેષ ટીમ બનાવી છે.’
ADVERTISEMENT
કેવી રીતે થયો ખુલાસો?
હેમંતના મોટા ભાઈ રાજેશ પાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈની એક જાણીતી ફાઇનૅન્સ કંપનીમાં હેમંત ઝોનલ મૅનેજર હતો. ૭ જાન્યુઆરીએ સાંજે તે ઘરે આવ્યો અને બેડરૂમમાં પંખા પર લટકીને તેણે ગળાફાંસો ખાધો હતી. આ ઘટનાથી અમે સ્તબ્ધ થઈ ગયા હતા. આત્મહત્યા પહેલાં તેણે કોઈ સુસાઇડ-નોટ પણ લખી ન હોવાથી અમે પરેશાન હતા. એ દરમ્યાન પોલીસે તેનાં મોબાઇલ અને લૅપટૉપ જપ્ત કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન તેની ઈ-મેઇલમાં કેટલીક શંકાસ્પદ મેઇલ જોઈ હતી. ત્યાર બાદ જ્યારે મેં તેની ઈ-મેઇલનું ઍક્સેસ મેળવી તમામ મેઇલ તપાસી ત્યારે જાણવા મળ્યું કે તે જાન્યુઆરી ૨૦૨૫થી અજાણ્યા અકાઉન્ટ્સમાં વારંવાર પૈસા ટ્રાન્સફર કરતો હતો. એ તમામ અકાઉન્ટ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોનાં હોવાનું જાણવા મળ્યું હતું એટલું જ નહીં, એપ્રિલ ૨૦૨૫માં તેના ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને પૈસા માગવામાં આવતા હોવાનો પણ ઉલ્લેખ મેઇલમાં થયો છે. ત્યાર બાદ આ તમામ માહિતી મેં પોલીસને આપી હતી એના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે હેમંતે આશરે ૧૦ લાખ રૂપિયાથી વધુ રકમ વિવિધ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. છેલ્લા એક વર્ષથી તેના અને તેના પરિવારના ફોટો એડિટ કરીને વાઇરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા એવો ખુલાસો પોલીસતપાસમાં થયો છે.’
