ઇન્ડિગો ઍરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિને કારણે હવાઈ ક્ષેત્ર પરના છેલ્લી ઘડીના પ્રતિબંધોને કારણે ફ્લાઇટને એના મૂળ સ્થાને પરત ફરવું પડ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટ એશિયામાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે વિશ્વભરની ઍરલાઇન્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવાઈ ક્ષેત્ર પરના છેલ્લી ઘડીના પ્રતિબંધોને કારણે દિલ્હીથી મૅન્ચેસ્ટર જવા નીકળેલી ઇન્ડિગો ઍરલાઇન્સની એક 6E 033 ફ્લાઇટે દિલ્હી પાછા ફરવું પડ્યું હતું. દિલ્હીથી બપોરે ઉડાન ભર્યાના ૭ કલાક બાદ જ્યારે ફ્લાઇટ ઇથિયોપિયા ઉપરથી ઊડી રહી હતી ત્યારે એને યુ-ટર્ન લેવો પડ્યો હતો અને લગભગ ૭ કલાક ઉડાન ભર્યા પછી દિલ્હી પાછી ફરી હતી. ઇન્ડિગો ઍરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિને કારણે હવાઈ ક્ષેત્ર પરના છેલ્લી ઘડીના પ્રતિબંધોને કારણે ફ્લાઇટને એના મૂળ સ્થાને પરત ફરવું પડ્યું હતું.
તેલની અછતને કારણે પાકિસ્તાનના પંજાબમાં ૩૧ માર્ચ સુધી સ્કૂલો બંધ
ADVERTISEMENT
મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું પૅનિક બાઇંગ શરૂ થઈ ગયું છે. તેલની તંગીને પગલે પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આજથી તમામ સરકારી અને પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. ફ્યુઅલની તંગી વધુ ન થાય એ માટે પ્રાઇવેટ ઑફિસોમાં કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમ કરવાનો નિર્દેશ અપાયો છે. પંજાબનાં મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ‘તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલો, કૉલેજ અને યુનિવર્સિટી ૧૦ માર્ચથી ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. પરીક્ષાઓ જે શેડ્યુલ થયેલી છે એ મુજબ જ રહેશે.’
લેબૅનનના ગામ પર માંસ ગાળી નાખે એવાં કેમિકલ નાખવાનો આરોપ, અનેક લોકો પર થઈ અસર
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં હવે ઘાતક હથિયારો સાથે કેમિકલ નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગઈ કાલે હ્યુમન રાઇટ્સ વૉચે જણાવ્યું હતું કે ઇઝરાયલ દ્વારા લેબૅનનના ગામ પર ફૉસ્ફરસ નાખવામાં આવ્યું છે. આ સંદર્ભે ૭ તસવીરો શૅર કરવામાં આવી છે. લેબૅનનના ગામ યોહમોરમાં ફૉસ્ફરસ નાખવામાં આવ્યું છે અને હજી સુધી સ્પષ્ટ નથી કે કેટલાં ગામડાંઓને એની અસર થઈ છે. જોકે આ વિસ્તારનાં ૨૦થી વધુ ગામડાંઓને ખાલી કરાવવામાં આવ્યાં છે.
આ સંસ્થાએ ચેતવણી આપી છે કે જ્યાં વધારે વસ્તી હોય એવા વિસ્તારોમાં ફૉસ્ફરસ જેવું કેમિકલ નાખવું આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. એનાથી આગ લાગી શકે છે અને માણસોનાં હાડકાં ગળી શકે છે. એને કારણે હાડકાંમાં બળતરા થઈ શકે છે અને ફેફસાં પર પણ એની વિપરીત અસર પડી શકે છે.
ઈરાનના હુમલાથી બાહરિનની સૌથી મોટી ઑઇલ રિફાઇનરીને નુકસાન
ઈરાનના ડ્રોન-હુમલાને કારણે બાહરિનના સિત્રા વિસ્તારમાં આવેલી દેશની સૌથી મોટી ઑઇલ રિફાઇનરી BAPCOમાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બાહરિન સરકારે ઈરાની ડ્રોન-હુમલાને કારણે નુકસાન થયાનું કહ્યું હતું. BAPCO એ દેશની મુખ્ય ઑઇલ રિફાઇનરી છે અને દેશના ઊર્જા ક્ષેત્રમાં એક મુખ્ય સુવિધા છે. રિફાઇનરી પર હુમલો થયા બાદ સરકારે આ કંપનીને બંધ જાહેર કરી હતી.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી વિશ્વને સહન કરવો પડી રહ્યો છે તેલપુરવઠાનો સૌથી મોટો આંચકો
વેસ્ટ એશિયાના યુદ્ધે આધુનિક ઇતિહાસમાં સૌથી મોટા તેલપુરવઠાનો આંચકો આપ્યો છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી દરરોજ લગભગ ૨૦ મિલ્યન બૅરલ તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. વર્તમાન પુરવઠાવિક્ષેપ અગાઉના ઐતિહાસિક આંચકાઓ કરતાં ઘણો મોટો છે. ૧૯૭૮-’૭૯ની ઈરાની ક્રાન્તિએ પાંચથી ૯ મિલ્યન બૅરલ વિક્ષેપ પાડ્યો હતો, જ્યારે ૧૯૮૦ના ઈરાન-ઇરાક યુદ્ધે ૪ મિલ્યન બૅરલ પ્રતિ દિવસનો વિક્ષેપ પાડ્યો હતો.
