લેણદારોની હેરાનગતિથી પરેશાન રિક્ષા-ડ્રાઇવરે આત્મહત્યા કરી
મૃતક યોગેશ આનંદ માને
પિતાને સહાય કરી પરિવારની આવકમાં વૃદ્ધિ કરવા માટે રિક્ષા ચલાવતા યુવકે દિવસો સુધી લેણદારોનાં ત્રાસ અને અપમાન સહન કર્યા બાદ આત્મહત્યા કરી હતી. રબાળે પોલીસને બાવીસ ડિસેમ્બરે થાણેની ખાડીમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. મરનાર યુવકનો ફોન ચાલુ કર્યા બાદ તેના પરિવારજનોને તેના પર ગુજારવામાં આવતા ત્રાસ વિશે જાણ થતાં તેમણે મુલુંડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે હજી સુધી કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.
હાલમાં જ ઇન્ડસ્ટ્રિયલ સ્ટડીઝનો અભ્યાસ પૂર્ણ કરનાર બાવીસ વર્ષનો યોગેશ આનંદ માને મુલુંડ-પશ્ચિમમાં રોહીદાસ નગરમાં પરિવાર સાથે રહેતો હતો. નોકરી ન મળતાં તેણે પિતા સાથે રિક્ષા ચલાવવાનો નિર્ણય લીધો હતો. રિક્ષાના રજિસ્ટ્રેશન માટે યોગેશે ઍપ આધારિત લેણદારો પાસેથી ૪૭,૦૦૦ રૂપિયા ઉછીના લીધા, જેની પરત ચુકવણી કરવામાં વિલંબ થતાં લેણદારો તેને પરેશાન કરી રહ્યા હતા.
ADVERTISEMENT
૧૯ ડિસેમ્બરે કોઈને જણાવ્યા વિના જ બહાર ગયેલો યોગેશ સાંજ સુધી પાછો ન ફરતાં પરિવારજનોએ મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાવીસ ડિસેમ્બરે રબાળે પોલીસને થાણેની ખાડીમાંથી યોગેશના આધાર કાર્ડ અને મહારાષ્ટ્ર નવનિર્માણ વાહતૂક સેનાના મેમ્બરશિપ કાર્ડ સાથે મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ તેમણે પરિવારને કરી હતી. યોગેશનો મોબાઇલ ફોન ચાલુ કરાતાં તેમને વૉટ્સઍપ મેસેજ અને મિસ્ડ કૉલના નોટિફિકેશન્સ મળ્યા હતા. તેના ફોનમાં છ મની લૅન્ડિંગ ઍપ હતા અને જેના એક્ઝિક્યુટિવ્ઝ સતત તેને ફોન અને મેસેજ કરી રહ્યા હતા. ફોનમાં ડિફૉલ્ટર યોગેશ આનંદના નામનું ગ્રુપ હતું, જેમાં તેના કેટલાક મિત્રો અને સંબંધીઓને જોડવામાં આવ્યા હતા.
આ ચેટ પરથી જાણ થઈ હતી કે યોગેશ લેણદારોને દેવાની વાત જાહેર ન કરવા અને વૉટ્સઍપ ગ્રુપ ન બનાવવા સતત વિનવી રહ્યો હતો. જોકે તેમણે યોગેશની વાત કાને ન ધરતાં મારા ભાઈએ તેનું જીવન ટૂંકાવવું પડ્યું હતું એમ વિનિતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

