આ ઘટના શુક્રવારે બની હતી
પ્રતીકાત્મક તસવીર
૨૧ વર્ષની સગર્ભા આદિવાસી મહિલા દહાણુના ઓસર વીરા ગામથી સાત કિલોમીટર ચાલીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગઈ અને પાછી ઘરે પણ એટલું જ ચાલતાં આવતાં સનસ્ટ્રોકને કારણે મૃત્યુ પામી હતી.
પાલઘર જિલ્લાના સિવિલ સર્જ્યન ડૉ. સંજય બોદાડેએ જણાવ્યું હતું કે ‘આ ઘટના શુક્રવારે બની હતી. દહાણુ તાલુકાના ઓસર વીરા ગામની સોનાલી વાઘાટ નામની મહિલા તડકામાં સાડાત્રણ કિલોમીટર ચાલીને નજીકના હાઇવે પર પહોંચી હતી. તેની તબિયત સારી ન હોવાથી ત્યાંથી તે રિક્ષા કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચી હતી. ગર્ભાવસ્થાના નવમા મહિનામાં હોવાથી મહિલાને ત્યાં સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવી હતી. તે ફરીથી ગરમીમાં હાઇવેથી ઘરે પાછા જવા સાડાત્રણ કિલોમીટર ચાલી હતી. સાંજે તેને ઘરે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઊભી થઈ એટલે તે ધુંદલવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગઈ હતી. ત્યાંથી તેને કાસા સબ-ડિવિઝન હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી. ત્યાં તેને ‘સેમી કો-મૉર્બિડ કન્ડિશન’ હોવાનું જણાવવામાં આવ્યું હતું.’
ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘તેને વધુ સારવાર માટે ધુંદલવાડીની સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, પણ તે માર્ગમાં જ ઍમ્બ્યુલન્સમાં મૃત્યુ પામી હતી અને ગર્ભ પણ ગુમાવ્યો હતો. મહિલા અતિશય ગરમીમાં સાત કિલોમીટર ચાલી હોવાથી તેની હાલત વધુ ખરાબ થઈ હતી અને સનસ્ટ્રોકને કારણે તેનું મૃત્યુ થયું હતું.’