વિરારની સગીર કિશોરીને રાજકોટમાંથી ઉગારી લેવાઈ
પ્રતીકાત્મક તસવીર
વિરારમાં રહેતી એક ૧૫ વર્ષની સગીર કિશોરીને એક યુવક ભગાવી ગયો હોવાની ઘટનામાં પોલીસે સ્થાનિક જ્વેલર્સ અસોસિએશનની મદદથી ૪૮ કલાકમાં શોધીને તેના પરિવારને સોંપી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી યુવક કિશોરીને ગુજરાતમાં રાજકોટ પાસેના ગામમાં લઈ ગયો હોવાની જાણ થતાં તેના મોબાઇલને ટ્રેસ કરીને પોલીસે આ મામલો સોલ્વ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટમાં મહારાષ્ટ્ર સુવર્ણકાર સરાફા અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ ભંવર મહેતાએ વિરારમાં રહેતા મૂળ રાજસ્થાનના પરિવારની ૧૫ વર્ષની કિશોરીની પાડોશમાં રહેતા એક યુવાન સામે ભગાડી જવાની ફરિયાદ નોંધાવી હતી. કમિશનર સદાનંદ દાતેએ વિરાર પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક ધોરણે કિશોરીને શોધવાનો નિર્દેશ કરતા વિરાર પોલીસની ટીમે કિશોરી તથા તેને ભગાવી જનારા યુવકના મોબાઇલ નંબર ટ્રેસ કરીને તેઓ રાજકોટ પાસેના ગામમાં હોવાની માહિતી મેળવી હતી. પોલીસે એ ગામમાં પહોંચીને સગીર કિશોરીનો છુટકારો કરાવ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.મહારાષ્ટ્ર સુવર્ણકાર સરાફા મંડળ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ ભંવર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૦ નવેમ્બરે આરોપી સગીર કિશોરીને ભગાવી ગયા બાદ અમે પોલીસને તેમને શોધવા માટે ૨૪ કલાકનો સમય આપ્યો હતો. પોલીસે તેમની પાછળ લાગીને ૪૮ કલાકમાં શોધી કાઢ્યા હતા. કિશોરીને તેના પરિવારમાં સોંપવામાં આવી છે અને તેને ભગાવી જનારા યુવકને પોલીસને હવાલે કરાયો છે.’

