શિયાળાની ઠંડીભરી મોસમમાં ગરમાગરમ ભોજન તો સૌ કોઈ પસંદ કરે છે, પરંતુ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે મોસમની કોઈ જ મર્યાદા હોતી નથી. જમ્યા પછી ડિઝર્ટમાં આઈસ્ક્રીમનો સ્વાદ માણવો હોય કે મિત્ર સાથે સાંજે મોજ-મસ્તી કરવી હોય, આઈસ્ક્રીમ એ શ્રેષ્ઠ પસંદગી છે. આ વાનગી કોઈ તહેવાર કે ખાસ પ્રસંગ માટે મર્યાદિત નથી. ઘણા લોકો શિયાળામાં આઈસ્ક્રીમ ન ખાવાની સલાહ આપે છે, પણ આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાથી નુકસાન નહીં પણ ફાયદો થાય છે. આઈસ્ક્રીમ આરોગવામાં ભલે ઠંડો હોય પણ તેની તાસીર ગરમ હોવાને કારણે શરીરના તાપમાનનું સંતુલન જળવાઇ રહે છે. ખાસ કરીને, ગળામાં ખરાશ કે પેટની ગરમી જેવી સમસ્યામાં આઈસ્ક્રીમ આરામદાયક સાબિત થાય છે. એમાંય જિન્જર હની, તુલસી, જામફળ, ટેન્ડર કોકોનટ, કીવી, રોસ્ટેડ આલમંડ જેવા ફ્લેવર્સ શિયાળાના મિજાજને અલગ બનાવીને તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
27 December, 2024 07:11 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent