પુત્રની કસ્ટડી માટે કેસ ચાલી રહ્યો છે. કોર્ટના આદેશ મુજબ પ્રકાશે તેના પુત્રને ત્રણ દિવસ માટે સરિતા પાસે રહેવા મોકલ્યો હતો ને ૧૯ માર્ચે તેને પાછો સોંપવાનો હતો
સરિતા રામારાજુ
અમેરિકામાં ૪૮ વર્ષની સરિતા રામારાજુ નામની મહિલાએ તેના ૧૧ વર્ષના પુત્ર યતીન રામારાજુને ત્રણ દિવસ ડિઝનીલૅન્ડમાં ફેરવ્યા બાદ ૧૯ માર્ચે સાંતા ઍનાની એક મોટેલમાં ચાકુથી ગળું કાપીને હત્યા કરી હતી અને પોલીસને ફોન કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે મેં મારા દીકરાની હત્યા કરી છે અને સુસાઇડ કરવા ઘણીબધી ગોળીઓ ખાઈ લીધી છે. આ મહિલા દોષી પુરવાર થશે તો તેને વધુમાં વધુ ૨૬ વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. પોલીસે સરિતાની ધરપકડ કરી છે અને હાલમાં તે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે કહ્યું હતું કે સરિતાએ યતીનની હત્યા રાત્રે જ કરી દીધી હશે અને સવારે તેણે પોલીસને ફોન કર્યો હતો.
સરિતાનો પતિ પ્રકાશ રામારાજુ મૂળ બૅન્ગલોરનો છે અને આ પતિ-પત્ની કૅલિફોર્નિયામાં રહેતાં હતાં. જોકે ૨૦૧૮માં છૂટાછેડા થયા બાદ તે કૅલિફોર્નિયાની બહાર જતી રહી હતી અને આ મોટેલમાં રહેતી હતી. હાલમાં પુત્રની કસ્ટડી માટે કેસ ચાલી રહ્યો છે. કોર્ટના આદેશ મુજબ પ્રકાશે તેના પુત્રને ત્રણ દિવસ માટે સરિતા પાસે રહેવા મોકલ્યો હતો અને ૧૯ માર્ચે તેને પાછો સોંપવાનો હતો.
ADVERTISEMENT
આ કેસ મુદ્દે બોલતાં ઑરેન્જ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ ઍટર્ની ટૉડ સ્પિટઝરે જણાવ્યું હતું કે ‘એક બાળકનું જીવન માતા-પિતા વચ્ચે સંતુલન કરવામાં ન રહેવું જોઈએ, જેમનો એકબીજા પ્રતિનો ગુસ્સો અને તિરસ્કાર તેમના બાળક પ્રતિના પ્રેમથી વધારે છે. ક્રોધ એ ભુલાવી દે છે કે તમે કોને પ્રેમ કરો છો અને તમે શું કરવા માટે જવાબદાર છો. એક બાળક માટે સૌથી સુરક્ષિત જગ્યા તેનાં માતા-પિતાના બાહુઓમાં હોવી જોઈએ. પુત્રને પ્રેમથી ગળે લગાવવાને બદલે તેણે તેનું ગળું કાપી નાખ્યું અને નસીબના ક્રૂર મોડમાં તેણે તેને જ આ દુનિયામાંથી દૂર કરી દીધો જેને તે આ દુનિયામાં લાવી હતી.’

