જો મુખ્ય દરિયાઈ કૉરિડોર દ્વારા શિપમેન્ટ બંધ કરવામાં આવે તો ભારત લગભગ ૪૦-૪૫ દિવસ સુધી એની ક્રૂડ તેલની જરૂરિયાતો પૂરી કરી શકે છે
સાઉદી અરેબિયાની સૌથી મોટી રિફાઇનરી અરામકોને મોટું નુકસાન થતાં તેલઉત્પાદન બંધ થઈ ગયું છે.
ઈરાનના ડ્રોન-હુમલા પછી સાઉદી અરેબિયાના રાસ તનુરામાં આવેલી તેલ રિફાઇનરીમાં મોટું નુકસાન થયું હોવાનું હાઈ રિઝોલ્યુશન સૅટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રિફાઇનરીમાં ડ્રોન-હુમલા બાદ આગ ફાટી નીકળી હતી અને તસવીરોમાં જ્યાં આગ લાગી હતી ત્યાં કાળા ડાઘ દેખાય છે. ઘણા ભાગ ક્ષતિગ્રસ્ત છે. મોટા પાઇપો દ્વારા આગ બુઝાવવામાં આવી રહ્યાનું પણ જોવા મળે છે. આ રિફાઇનરીની ઉત્પાદનક્ષમતા પ્રતિ દિવસના ૫,૫૦,૦૦૦ બૅરલની છે અને તે વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરીઓમાંની એક છે. આ રિફાઇનરી સાઉદી અરેબિયા સરકારની માલિકીની કંપની અરામકોની છે અને એમાં તેલનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે.
ભારત પાસે ૪૦થી ૪૫ દિવસ ચાલે એટલું તેલ ઉપલબ્ધ
ADVERTISEMENT
એનર્જી ઍનૅલિટિક્સ ફર્મ કૅપ્લરના જણાવ્યા અનુસાર હોર્મુઝની ખાડીમાંથી થતા તેલના પુરવઠામાં ટૂંકા ગાળાના વિક્ષેપને પહોંચી વળવા માટે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઑઇલ ઇન્વેન્ટરી છે, જેમાં કમર્શિયલ સંગ્રહ, વ્યૂહાત્મક રિઝર્વ અને દેશમાં જતા કાર્ગોમાં લગભગ ૧૦૦ મિલ્યન બૅરલ તેલનો જથ્થો ઉપલબ્ધ છે.
એવો અંદાજ છે કે જો મુખ્ય દરિયાઈ કૉરિડોર દ્વારા શિપમેન્ટ બંધ કરવામાં આવે તો ભારત લગભગ ૪૦-૪૫ દિવસ સુધી એની ક્રૂડ તેલની જરૂરિયાતો પૂરી કરી શકે છે. હોર્મુઝની ખાડી પર્શિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડતો સાંકડો માર્ગ છે. એ વૈશ્વિક તેલવેપારનો નોંધપાત્ર હિસ્સો સંભાળે છે. ભારત એના ક્રૂડ તેલનો લગભગ ૮૮ ટકા હિસ્સો વિદેશી બજારોમાંથી મેળવે છે અને એમાંથી અડધાથી વધુ આયાત મિડલ ઈસ્ટમાં આવે છે અને આ ખાડીમાંથી પસાર થાય છે.
આ છે અમેરિકા-ઇઝરાયલના અટૅકમાં જીવ ગુમાવનારી ૧૬૦ છોકરીઓની કબર
ઈરાનના વિદેશપ્રધાન સૈયદ અબ્બાસ અરાગચીએ એક તસવીર શૅર કરીને લખ્યું હતું કે ૧૬૦થી વધુ નિર્દોષ છોકરીઓ માટે આ કબર ખોદવામાં આવી છે જે અમેરિકા-ઇઝરાયલી બૉમ્બમારા દરમ્યાન પ્રાથમિક શાળા પર પડી હતી અને એમાં તેમણે જીવ ગુમાવ્યા હતા, તેમના મૃતદેહો છિન્નભિન્ન થઈ ગયા હતા.
