ભગવાન રામના પુત્ર લવને સમર્પિત છે મંદિર, ભાવિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું
લોહ મંદિર
પાકિસ્તાનના લાહોર કિલ્લા ખાતે આવેલા ઐતિહાસિક લોહ મંદિરને સંપૂર્ણપણે પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું છે અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ મંદિર ભગવાન રામના પુત્ર લવને સમર્પિત છે. મંદિરની સાથે સિખ યુગના હમ્મામ અને અથ દારા પૅવિલિયનનું પણ સંરક્ષણ કરવામાં આવ્યું હતું જે સિખ, હિન્દુ, મોગલ અને બ્રિટિશ યુગનાં સ્મારકોમાં ફેલાયેલા કિલ્લાના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે. હિન્દુ પરંપરામાં એવું માનવામાં આવે છે કે લાહોર શહેરનું નામ પણ લવના નામ પરથી રાખવામાં આવ્યું છે.
ધ વૉલ્ડ સિટી લાહોર ઑથોરિટી (WCLA)એ જણાવ્યું હતું કે સિખ યુગના હમ્મામ અને મહારાજા રણજિત સિંહના અથ દરા પૅવિલિયન સાથે લોહ મંદિરનું પણ સંરક્ષણ કરવામાં આવ્યું છે. આખો પ્રોજેક્ટ આગા ખાન કલ્ચરલ સર્વિસ, પાકિસ્તાનના સહયોગથી પૂરો થયો હતો. WCLAનાં પ્રવક્તા તાનિયા કુરેશીએ જણાવ્યું હતું કે ‘આ પહેલનો હેતુ લાહોર કિલ્લાના બહુસ્તરીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો છે જેમાં હિન્દુ અને સિખ ધાર્મિક સ્થળો, મોગલ યુગની મસ્જિદો અને બ્રિટિશ યુગની રચનાઓનો સમાવેશ થાય છે. મૂળ સ્વરૂપને જાળવવા માટે સંરક્ષણ-પ્રક્રિયા દરમ્યાન ઘણી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
ગયા વર્ષે અમેરિકાસ્થિત સિખ રિસર્ચર ડૉ. તરુણજિત સિંહ બુટાલિયાએ લાહોર કિલ્લામાં સિખ શાસન (૧૭૯૯-૧૮૪૯) દરમ્યાન બાંધવામાં આવેલાં લગભગ ૧૦૦ સ્મારકોની ઓળખ કરી હતી.


