ચીનને હવે મિત્ર પાકિસ્તાન પણ આપશે ઝટકો, ટિકટૉક કરશે બૅન? જાણો કારણ
ટિકટૉક
ભારત (India) અને અમેરિકા (America) પછી હવે પાકિસ્તાન (Pakistan) પણ ચીન (China)ને ઝટકો દેવા જઈ રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન (Imran Khan) ખાન પણ ટિકટૉક (Tiktok Bann) બૅન કરવા માગે છે. પાકિસ્તાન (Pakistan)ના સૂચના મંત્રી શિબલી ફરાઝે ધ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ દાવો કર્યો છે. જો કે, ઇમરાન ખાનની ચિંતા ડેટા સિક્યૉરિટી નહીં, પણ દેશમાં ફેલાતી અશ્લીલતા છે અને તેને કારણે તે ટિકટૉક સહિત આ પ્રકારના અન્ય એપ પણ બૅન કરવા અંગે વિચારી રહ્યા છે. જો કે, કેટલાક જાણકારોનું એમ પણ કહેવું છે કે ઇમરાન ખાન માટે ચાઇનીઝ એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવી સરળ નથી.
ધ ન્યૂઝ સાથે વાત કરતાં શિબલી ફરાઝે કહ્યું, "પીએમ ઇમરાન ખાન સમાજમાં વધતી નગ્નતા-અશ્લીલતાને લઈને ખૂબ જ ચિંતાગ્રસ્ત છે. તેમણે કહ્યું કે એ પહેલા કે આ સામાજિક ધાર્મિક મૂલ્યો ખતમ કરી દે, આને અટકાવવા જરૂરી છે." સૂચના મંત્રીએ કહ્યું કે વડાપ્રદાને તેમની સાથે આ મુદ્દે એક કે બે વાર નહીં પણ 15-16 વાર ચર્ચા કરી છે. તે સમાજમાં મુખ્યધારાના આઉટલેટ્સ, સોશિયલ મીડિયા અને એપ્લિકેશન્સ દ્વારા ફેલાતી અશ્લીલતા અટકાવવા માટે વ્યાપક રણનીતિ ઇચ્છે છે.
ADVERTISEMENT
તાજેતરમાં જ એક ગૅન્ગ રેપ કેસને લઈને ઇમરાન ખાને કહ્યું હતું કે, "વિશ્વનો ઇતિહાસ જણાવે છે કે સમાજમાં જ્યારે ઇશ્લીલતા વધે છે તો બે વસ્તુઓ થાય છે- મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં વધારો થાય છે અને પરિવારો તૂટો છે." શિબલી ફરાઝે કહ્યું કે વડાપ્રધાને તેમને તાજેતરમાં જ કહ્યું કે ટિકટૉક જેવા એપ્સ સમાજના મૂલ્યોને નુકસાન પહોંચાડી રહ્યા છે અને આ માટે તેમને બૅન કરી દેવા જોઇએ.
રિપોર્ટ પ્રમાણે, પીએમ ઇમરાન ખાને પાકિસ્તાન ટેલિકૉમ્યુનિકેશન ઑથૉરિટી (PTA)ને આદેશ આપ્યો છે કે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને એપ્સને અશ્લીલતાથી મુક્ત કરવામાં આવે. પીટીએએ તાજેતરમાં જ પાંચ ડેટિંગ એપ્સને બૅન કરી હતી જેના પર નગ્નતા અને સમલૈંગિકતા ફેલાવવાના આરોપ હતા.
ભારત અને અમેરિકામાં બૅનથી અકળાયું ચીન
સીમા વિવાદ વચ્ચે તાજેતરમાં જ ભારતે ટિકટૉક સહિત 100થી વધારે ચાઇનીઝ એપ્સ બૅન કરી દીધી, જેને કારણે ચીન અકળાઇ ગયું છે. ભારતે ડેટા સુરક્ષા અને દેશની સુરક્ષા તેમજ સંપ્રભતા માટે આ એપ્સને જોખમકારક જણાવ્યા હતા. ત્યાર બાદ અમેરિકાએ પણ ટિકટૉક બૅન કરી દીધું.

