ભીમસેન કોહલી શ્વાન સાથે વૉક કરતા હતા ત્યારે ૧૨થી ૧૪ વર્ષનાં બાળકોએ હુમલો કરી બેરહેમીથી તેમને માર્યા હતા
ભીમસેન કોહલી
બ્રિટનના લેસ્ટર શહેરમાં આવેલા ફ્રૅન્કલિન પાર્કમાં પોતાના પાળેલા શ્વાનની સાથે વૉક કરી રહેલા ૮૦ વર્ષના ભીમસેન કોહલીના હત્યા કેસમાં પોલીસે પાંચ બાળકોની ધરપકડ કરી છે. પોલીસે પહેલાં અપમૃત્યુનો કેસ નોંધ્યો હતો પણ આ કેસની તપાસમાં ૧૨થી ૧૪ વર્ષની વયના સ્કૂલમાં જતાં પાંચ બાળકોની સંડોવણીના આધારે એને મર્ડર કેસ તરીકે નોંધવામાં આવ્યો હતો અને હવે વધુ તપાસ થઈ રહી છે.
લેસ્ટરના બ્રાઉનસ્ટોન ટાઉનના ફ્રૅન્કલિન પાર્કમાં રવિવારે સાંજે કોહલી તેમના શ્વાન સાથે વૉક કરી રહ્યા હતા. એ સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઘાયલ અવસ્થામાં તેઓ એક ઝાડ નીચેથી મળી આવ્યા હતા. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સોમવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. જ્યાં આ ઘટના બની એ સ્થળ કોહલીના ઘરથી ૩૦ સેકન્ડના વૉક પર આવેલું છે.
પોલીસ-તપાસમાં જાણવા મળ્યું કે આ વૃદ્ધ પર ૧૪ વર્ષનાં એક છોકરા અને એક છોકરી તથા ૧૨ વર્ષનાં એક છોકરા અને બે છોકરી મળીને કુલ પાંચ બાળકોએ હુમલો કર્યો હતો. તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે આ દુઃખની વાત છે કે આ હુમલો સ્કૂલમાં જતાં બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો અને એમાં વૃદ્ધને ગળામાં માર લાગ્યો હતો જે તેમના મૃત્યુનું કારણ બન્યો હતો. મૃત્યુનો આ કેસ હવે હત્યાનો કેસ બની ગયો છે. સ્કૂલમાં જનારાં બાળકોના સમૂહે આ વૃદ્ધ પર હુમલો કર્યો હતો અને તેમને બેરહેમીથી માર્યા હતા. આ પછી તેઓ નાસી છૂટ્યાં હતાં. આ કેસમાં તપાસ હેઠળ લોકો સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી રહી છે.
મૂળ પંજાબના વતની એવા ભીમસેન કોહલી છેલ્લાં ૪૦ વર્ષથી બ્રિટનમાં રહેતા હતા અને તેમના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ છે.