ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે બહાર પાડેલા નિવેદન મુજબ આ વાર્તાલાપ ૧૫ દિવસ ચાલે એવી સંભાવના છે
યુદ્ધવિરામ પછી ગુરુવારે ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈના મૃત્યુની યાદમાં હજારો ઈરાનીઓએ સ્મરણાંજલિ આપતી રૅલી કાઢી હતી.
છ અઠવાડિયાંના યુદ્ધ પછી અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વાતચીત માટે પાકિસ્તાનમાં બેઠક કરશે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કન્ફર્મ કર્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાર્તાલાપ માટેની બેઠક પાકિસ્તાનમાં હોસ્ટ કરવામાં આવશે. સોશ્યલ મીડિયામાં તેમણે લખ્યું હતું, ‘હું બન્ને દેશોની લીડરશિપનો આભાર માનું છું અને તેમના ડેલિગેશનને શનિવારે ઇસ્લામાબાદમાં આમંત્રિત કરું છું જેથી તમામ વિવાદોને સુલઝાવવા અને એક પાક્કા ઍગ્રીમેન્ટ પર આગળની વાતચીત થઈ શકે. મને આશા છે કે ‘ઇસ્લામાબાદ ટૉક્સ’માં થનારી વાતચીત દુનિયાને પાક્કી શાંતિ અપાવવામાં સફળ થશે.’
ક્યાં થશે અને કોણ આવશે?
ADVERTISEMENT
ઇસ્લામાબાદની સેરેના હોટેલમાં આ ડેલિગેશન હોસ્ટ થશે. આ હોટેલને બુધવારે સાંજે જ ખાલી કરી દેવાની સૂચના આપી દેવામાં આવી હતી. અહીં માત્ર અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ જ રહેશે. વાઇટ હાઉસે પહેલાં કન્ફર્મ કર્યું હતું કે અમેરિકાના વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ અમેરિકાના ડેલિગેશનને લીડ કરશે અને તેમની સાથે સ્ટીવ વિટકૉફ અને તેમના જમાઈ જૅરેડ કુશનર હશે. જોકે ગઈ કાલે ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે સિક્યૉરિટી ઇશ્યુઝને કારણે વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સને પાકિસ્તાન મોકલવા કે નહીં એ નક્કી નથી.
ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે બહાર પાડેલા નિવેદન મુજબ આ વાર્તાલાપ ૧૫ દિવસ ચાલે એવી સંભાવના છે. ઈરાનિયન પાર્લમેન્ટના સ્પીકર મોહમ્મદ બઘેર ઘાલીબાફ અને વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી ઈરાનિયન ડેલિગેશનનું નેતૃત્વ કરશે. ઈરાનની ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC) તરફથી કોઈ અલગથી પ્રતિનિધિત્વ ન કરે એવી સંભાવના છે, કેમ કે મોહમ્મદ બઘેર ભૂતપૂર્વ IRGC કમાન્ડર રહી ચૂક્યા છે.
