એકનું મોત અને ૧૦ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, એકની હાલત ગંભીર
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ફાસ્ટ-ફૂડ ચેઇન મૅક્ડોનલ્ડ્સમાં ક્વૉર્ટર પાઉન્ડર હૅમ્બર્ગર ખાતાં ઈ-કોલીને કારણે બીમાર પડેલા લોકોમાંથી એક જણનું મૃત્યુ થયું છે અને અનેક લોકોને ફૂડ-પૉઇઝનિંગ થયું છે. ૧૦ જણને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એકની હાલત ગંભીર છે.
આ મુદ્દે અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC)એ જણાવ્યું હતું કે આ ઘટનાઓ સપ્ટેમ્બર મહિનાના આખરમાં બની હતી અને વેસ્ટર્ન અમેરિકાનાં ૧૦ રાજ્યોમાં એ નોંધાઈ છે. આમાંથી ૪૯ કેસ એકલા કોલોરાડો અને નેબ્રાસ્કા રાજ્યમાં નોંધાયા છે.
ADVERTISEMENT
હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૦ જણમાંથી એક બાળકને હીમોલાઇટિક યુરેમિક સિન્ડ્રૉમ થયો છે, જેમાં કિડનીમાં આવેલી લોહીની નસોને નુકસાન પહોંચે છે. કોલોરાડો રાજ્યમાં એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આ લોકો શું ખાધા પછી બીમાર થયા એની તપાસ કરતાં મોટા ભાગના લોકોએ ક્વૉર્ટર પાઉન્ડર હૅમ્બર્ગર ખાધું હોવાનું જણાયું હતું. એમાં વપરાતા સિલ્વર્ડ અન્યન અને બીફ પેટીઝને કારણે ઈ-કોલીનો પ્રાદુર્ભાવ થયો હોવાનું મનાય છે. આ બે આઇટમોને હવે હૅમ્બર્ગરમાંથી દૂર કરવામાં આવી છે. આના કારણે ઝાડા થવા, તાવ આવવો અને ઊલટી થવી જેવાં લક્ષણો શરૂઆતમાં દેખાયાં છે.
આ ન્યુઝ આવતાં જ મૅક્ડોનલ્ડ્સના શૅરના ભાવમાં છ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો.