જીવને જોખમ હોવાના ઇન્ટેલિજન્સ ઇન્પુટ બાદ કેન્દ્ર સરકારે લીધો નિર્ણય
તિબેટિયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા
ભારત સરકારે તિબેટિયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાને સમગ્ર ભારતમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની Z કૅટેગરીની સુરક્ષા પ્રદાન કરી છે. ગૃહમંત્રાલયે હાલમાં જ ગુપ્તચર વિભાગના એક રિપોર્ટનું વિશ્લેષણ કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. અત્યાર સુધી દલાઈ લામાની સુરક્ષાની જવાબદારી હિમાચલ પ્રદેશની પોલીસ પાસે હતી.
દલાઈ લામાના જીવને જોખમ હોવાના ઇન્ટેલિજન્સના રિપોર્ટ બાદ દલાઈ લામાને Z સુરક્ષા CRPF દ્વારા આપવામાં આવશે. આ સુરક્ષા સમગ્ર દેશમાં લાગુ રહેશે. આ નિર્ણય ચીનની સાથે સતત વધી રહેલા ઘર્ષણ અને દલાઈ લામાની વૈશ્વિક સ્થિતિને જોતાં લેવામાં આવ્યો છે. દલાઈ લામા તિબેટિયન બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ગુરુ છે. ૧૯૫૯માં ચીની કબજા બાદ તેઓ તિબેટથી ભારત આવી ગયા હતા ત્યારથી જ તેઓ ભારતમાં વસે છે. તેમની સુરક્ષા બાબતે ભારત સરકાર હંમેશાં ચિંતિત રહે છે. Z શ્રેણી સુરક્ષા અંતર્ગત CRPFના કમાન્ડો દલાઈ લામાની સુરક્ષામાં તહેનાત રહેશે. તેમની સાથે એસ્કૉર્ટ અને ક્લોઝ પ્રોટેક્શન ઑફિસર પણ હશે. આ સુરક્ષા તેમને સમગ્ર ભારતમાં મળશે.

