સાધુની ધરપકડનો વિરોધ કરવા હિન્દુઓ કોર્ટની બહાર એકઠા થયા, સાધુને લઈ જતી વૅનને ઘેરી વળ્યા, રસ્તા પર સૂઈ ગયા
ગઈ કાલે ચિત્તાગૉન્ગ કોર્ટની બહાર સાધુ ચિન્મય કૃષ્ણ દાસને લઈ જતી વૅનને ઘેરી વળેલા હિન્દુઓ અને તેમના પર બેરહેમીથી અત્યાચાર કરતી પોલીસ.
બંગલાદેશમાં ઇસ્કૉનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીના વકીલ સૈફુલ ઇસ્લામનું ગઈ કાલે ચિત્તાગૉન્ગ કોર્ટની બહાર પોલીસ-ફાયરિંગમાં મૃત્યુ થયું હતું. હિન્દુ સાધુની ધરપકડનો વિરોધ કરવા માટે કોર્ટની બહાર મોટા પ્રમાણમાં હિન્દુઓ આવી પહોંચ્યા હતા અને એ સમયે પોલીસે ભીડ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એ સમયે સૈફુલ ઇસ્લામનું મૃત્યુ થયું હતું.
બીજી તરફ ચટગાંવ મેડિકલ કૉલેજ હૉસ્પિટલે સૈફુલ ઇસ્લામનું પોસ્ટમૉર્ટમ કર્યું હતું અને એના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેનું મોત માથામાં ઈજા થવાથી થયું છે. તેના શરીર પર અનેક ઈજાઓ હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા લોકો તેને કોર્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ ગયા હતા અને માર માર્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
હિન્દુ વિરોધકોએ કોર્ટની બહાર જ સાધુ ચિન્મય કૃષ્ણ દાસને છોડી મૂકવાની માગણી કરી હતી અને કોર્ટે તેમની જામીનઅરજી ફગાવી દેતાં લોકોએ જેલની કારનો રસ્તો બંધ કરી દીધો હતો. હજારો લોકો કારના રસ્તામાં રોડ પર સૂઈ ગયા હતા. ચિન્મય કૃષ્ણ દાસની સામે દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે બંગલાદેશના ધ્વજ પર તેમનો ધ્વજ લહેરાવ્યો હતો. જે વ્યક્તિએ આ કેસ કર્યો હતો તે હવે કેસમાં આગળ વધવા માગતી નથી છતાં સાધુના જામીન નકારવામાં આવ્યા હતા.