વ્યારાની યુવતી માટે આ ક્ષણ બની યાદગાર : એકમાત્ર દીકરીના પાવર અને કૉન્ફિડન્સ પર પેરન્ટ્સને છે ગર્વ
મેટ્રો ટ્રેન-ઑપરેટર કક્ષ્તી ચૌધરી
ગુજરાતના પાટનગર ગાંધીનગરથી વિશ્વપ્રસિદ્ધ ગિફટ સિટી સુધી તાજેતરમાં મેટ્રો રેલ-સર્વિસ શરૂ થઈ છે. એમાં નોંધનીય બાબત એ બની હતી કે ૧૬ સપ્ટેમ્બરે ગાંધીનગર મેટ્રો સ્ટેશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી અને તાપી જિલ્લાની આદિવાસી દીકરી કક્ષ્તી ચૌધરી એ મેટ્રો ટ્રેન ચલાવીને ગિફ્ટ સિટી સુધી લઈ ગઈ હતી.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ ગાંધીનગરથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું એ સમયે ટ્રેન ઑપરેટ કરી રહેલી કક્ષ્તી ચૌધરી
ગાંધીનગરમાં મેટ્રો સ્ટેશનથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત સ્ટુડન્ટ્સ અને ઑફિસર્સ ટ્રેનમાં બેઠા હતા અને વ્યારાની કક્ષ્તી ચૌધરીએ મેટ્રો ટ્રેનનું સંચાલન કર્યું હતું. આ ક્ષણ તેના માટે યાદગાર બની ગઈ હતી અને તેની ખુશીનો કોઈ પાર નહોતો. પોતાની દીકરી પર ગર્વ અનુભવતા પિતા નવીન ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરીએ બી.ઈ. ઇલેક્ટ્રિકલ સુધીનો અભ્યાસ કર્યો છે. અમારે એક જ દીકરી છે. તે પહેલેથી મહેનતુ છે અને તેનો ડેરિંગ પાવર તેમ જ કૉન્ફિડન્સ ગજબનો છે. મારી દીકરી મેટ્રો રેલ ઑપરેટ કરે છે એની અમને ખુશી છે. નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવો મેટ્રો ટ્રેનમાં બેઠા અને મારી દીકરીએ એ ઑપરેટ કરી એ જાણીને અમને ખૂબ જ ખુશી થઈ. તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે મેટ્રો ટ્રેનમાં ઑપરેટરની જાહેરાત આવતાં તેણે અપ્લાય કર્યું હતું અને એક્ઝામ પાસ કરીને એમાં સિલેક્ટ થઈ હતી.’