અમેરિકાની ઘેલછા પડી ભારે: ફૅમિલી સાથે ખાલી હાથ પરત ફરવું પડ્યું
અમેરિકાનું મિલિટરી ઍરક્રાફ્ટ ગઈ કાલે અમ્રિતસરના શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગેરકાયદે ભારતીયોને લઈને આવી પહોંચ્યું હતું.
અમેરિકાની ઘેલછા પરત ફરી રહેલા ગુજરાતીઓને ભારે પડી રહી છે કેમ કે કોઈ પોતાનું ઘર વેચીને તો કોઈ માતા-પિતાને જાણ કર્યા વગર જ ગેરકાયદે અમેરિકા જતા રહ્યા હતા અને હવે તેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
જે ૩૩ ગુજરાતીઓને ભારત પરત મોકલાયા છે એમાં ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક આવેલા ડાભલામાં રહેતી નિકિતા પટેલ પણ છે. તેના પિતા કનુ પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘મારી દીકરી યુરોપની ટૂર પર ગઈ હતી, પણ તે અમેરિકા ગઈ છે એવું તેણે ફૅમિલીને કહ્યું નહોતું. એક મહિના પહેલાં યુરોપના વીઝા મેળવીને બે ફ્રેન્ડ્સ સાથે તે ફરવા ગઈ હતી. તેની સાથે છેલ્લે ૧૪–૧૫ જાન્યુઆરીએ વાત થઈ હતી એ સમયે તેણે યુરોપમાં હોવાની વાત કરી હતી, અમેરિકા જવાની કોઈ વાત કરી નહોતી. તેણે હમણાં એમ.એસ.સી.નો અભ્યાસ પૂરો કર્યો છે.’
ADVERTISEMENT
બીજી તરફ ગાંધીનગર જિલ્લાના બોરુ ગામના ગોહિલ કરણસિંહ તેમની પત્ની અને દીકરા સાથે અમેરિકા ગયાં હતાં. તેમને પણ અમેરિકાએ પરત મોકલી દીધા છે. કરણસિંહ ગોહિલનાં માતાએ મીડિયાને કહ્યું હતું કે ‘તેમનો દીકરો, વહુ અને પૌત્ર થોડા સમય પહેલાં અમેરિકા ગયાં હતાં. તેઓ કેવી રીતે અમેરિકા ગયાં એ વિશે તેઓ કંઈ જાણતા નથી.’
મૂળ મણુંદ ગામનો અને પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયેલા કેતુલ પટેલને પણ પરિવાર સાથે અમેરિકાથી પાછા મોકલ્યા છે. કહેવાય છે કે આ પરિવાર સુરતનું ઘર વેચીને અમેરિકા ગયો હતો. ગામમાં તેમની જમીન પણ છે.

