ભારતની રંગભૂમિ પર પહેલી વાર ગુજરાતી ભાષામાં ગવાશે ક્રાન્તિવીરોની આરતી અને ચંદ્રશેખર આઝાદની વંદના : શહીદ દિને અમદાવાદમાં ગીત-સંગીત સાથે ક્રાન્તિકારીઓની ક્રાન્તિગાથા રજૂ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાશે : સાંઈરામ દવેએ લખી આરતી અને વંદના
વીરાંજલિ કાર્યક્રમની માહિતી આપી રહેલાં ગીતા રબારી, સાંઈરામ દવે, બીજેપીના પ્રદીપસિંહ વાઘેલા, કીર્તિદાન ગઢવી અને બીજેપીના ઋત્વિજ પટેલ.
અમદાવાદ : ભારતની રંગભૂમિ પર પહેલી વાર એક અભિનવ અને આવકારદાયક પ્રયોગ થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે હિન્દુ સંસ્કૃતિમાં દેવી-દેવતાઓની આરતી ગવાતી હોય છે ત્યારે અમદાવાદમાં શહીદ દિને યોજાનારા ક્રાન્તિકારીઓની ક્રાન્તિગાથાના વીરાંજલિ કાર્યક્રમમાં ભારતની રંગભૂમિ પર પહેલી વાર ગુજરાતી ભાષામાં ક્રાન્તિવીરોની આરતી અને ચંદ્રશેખર આઝાદની વંદના ગવાશે.
૨૩ માર્ચના શહીદ દિને અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ગીત-સંગીત સાથે ક્રાન્તિકારીઓની ક્રાન્તિગાથા રજૂ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાશે. જાણીતા કલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવેએ ક્રાન્તિકારીઓ માટે આરતી અને ચંદ્રશેખર આઝાદ માટે વંદના લખી છે. પ્રતીક ગાંધી, ધર્મેન્દ્ર ગોહિલ અને ભક્તિ રાઠોડ પહેલી વાર મંચ પરથી મોનોલૉગ રજૂ કરશે તેમ જ ગીતા રબારી અને કીર્તિદાન ગઢવી પર્ફોર્મન્સ આપશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: પાટનગરમાં જામ્યો વસંતોત્સવ
જાણીતા કલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શહીદ દિને રજૂ થનારી ક્રાન્તિગાથા વીરાંજલિમાં પહેલી વાર ક્રાન્તિવીરોની આરતી ગવાશે. લોકો પોતાનાં આરાધ્ય દેવી-દેવતાઓની આરતી કરતા હોય છે ત્યારે મારા આરાધ્ય ક્રાન્તિકારીઓ છે તો મને થયું કે તેમના વિશે આરતી લખું અને મેં ક્રાન્તિવીરો માટે આરતી લખી છે અને ગાઈ પણ છે. એના શબ્દો છે, ‘આરતી વીર જવાનોં કી...’ આવું પહેલી વાર બન્યું છે અને હવે આ આરતી રંગમંચ પરથી ગવાશે. આ આરતી મેં ગાઈ પણ છે. આ ઉપરાંત ચંદ્રશેખર આઝાદ માટે વંદના લખી છે, જે ભારતની પહેલી વંદના હશે. આ વંદનાના શબ્દો છે, ‘નમામિ ચંદ્રશેખરમ્, સ્વાધિનતા સમર્પણમ્...’ દેશના ક્રાન્તિવીરોની આરતી લખવાનું અને ચંદ્રશેખર આઝાદની વંદના લખવાનું મને સૌભાગ્ય મળ્યું છે. ક્રાન્તિવીરોની આરતી પહેલી વાર લખાઈ છે. આખા દેશને આ આરતી અને વંદના ગમશે એવો મને વિશ્વાસ છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘વીરાંજલિ કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતોની સફર સાથે નૃત્યો અને રંગભૂમિના મોનોલૉગ રજૂ થશે, જેમાં મારા ઉપરાંત કીર્તિદાન ગઢવી, ગીતા રબારી પણ તેમની કલા દર્શાવશે. આ કાર્યક્રમમાં બૉલીવુડના સ્ટાર પ્રતીક ગાંધી તેમ જ મુંબઈના કલાકાર ધર્મેન્દ્ર ગોહિલ અને ભક્તિ રાઠોડ મોનોલૉગ ભજવશે.’
અમદાવાદમાં શહીદ દિને ૨૩ માર્ચે ગીત-સંગીત અને અભિનય સાથે મંચ પર સાંઈરામ દવેનો વીરાંજલિ કાર્યક્રમ યોજાશે, જેની ટિકિટ નહીં હોય; સૌ આવી શકશે.