નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ સાથે સેલ્ફી લેવા મહાત્મા મંદિરમાં લાગી લાઇન : ૩૦૦૦થી વધુ લોકોએ રોબો પાસે સેલ્ફી પડાવ્યા : મુંબઈની આર્ટિલિજન્ટ સૉલ્યુશન કંપનીએ પાંચ રોબોને ગુજરાતની પાંચ નદીઓ નર્મદા, તાપી, સાબરમતી, મહી અને સરસ્વતીનાં નામ આપી ઊભા રાખીને
મહાત્મા મંદિરમાં રોબો દ્વારા સેલ્ફી પડાવવા તેમ જ રોબોને ઈ-મેઇલ આપીને તરત ફોટો મેળવવા લોકોની લાઇન લાગી હતી.
અમદાવાદ ઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ચાલી રહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે કોઈ પણ વ્યક્તિનો સેલ્ફી (ફોટો) પાંચ રોબો ખેંચી આપે છે. આ સેલ્ફી પડાવવા લાઇન લાગી હતી અને બે દિવસમાં ૩૦૦૦થી વધુ લોકોએ રોબો પાસે સેલ્ફી પડાવ્યા હતા, એટલું જ નહીં, આ પાંચ રોબો ગુજરાતના ગતિશક્તિ, ટૂરિઝમ અને ધોલેરા તેમ જ સ્કિલ ઇન્ડિયા તથા વાઇબ્રન્ટ ગુજરાત વિશે પણ માહિતી આપી રહ્યા છે.
મુંબઈની આર્ટિલિજન્ટ સૉલ્યુશન કંપનીએ પાંચ રોબોને ગુજરાતની પાંચ નદીઓ - નર્મદા, તાપી, સાબરમતી, મહી અને સરસ્વતીનાં નામ આપીને મહાત્મા મંદિરમાં જુદી-જુદી જગ્યાએ રોબો ઊભા રાખીને એના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ સાથે સેલ્ફી ખેંચવાની સર્વિસ ઊભી કરી છે. આ કંપનીના મૅનેજર સૌરભ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાત્મા મંદિરમાં અમે પાંચ રોબો મૂક્યા છે જેને ગુજરાતની નદીઓનાં નામ આપ્યાં છે. લોકો અહીં આવી રહ્યા છે ત્યારે સુવેનિયર ટાઇપના ફોટો લાગે એ રીતે આ પાંચ રોબો સેલ્ફી-ફોટો પાડી આપે છે. ફોટોમાં નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલના ફોટો સાથે જે-તે વ્યક્તિનો ફોટો આવશે. ફોટો પડાવ્યા પછી રોબોને તમે તમારો ઈ-મેઇલ ઍડ્રેસ આપો એટલે રોબો રિયલ ટાઇમમાં તમને તરત જ ફોટો ઈ-મેઇલ કરી દે છે. ફોટોનો કોઈ ડેટા સ્ટોર કરતો નથી. વાઇબ્રન્ટ ગુજરાતના ઓપનિંગ દિવસે ૨૦૦૦થી વધુ લોકોને અને ગઈ કાલે ૧૨૦૦ જેટલા લોકોના સેલ્ફી લઈને તેમને તરત ઈ-મેઇલ કરી દીધા હતા.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આ પાંચ રોબો ગુજરાતના ગતિશક્તિ, ટૂરિઝમ, ધોલેરા વિશે તેમ જ સ્કિલ ઇન્ડિયા વિશે અને વાઇબ્રન્ટ ગુજરાત વિશે પણ માહિતી આપી રહ્યું છે. આ રોબોમાં નરેન્દ્ર મોદીનાં સ્ટેટમેન્ટ પણ છે જે સાંભળી શકાય છે.
ADVERTISEMENT