ચર્ચાઈ રહ્યું છે કે શૅરબજારના ઑપરેટરને ત્યાંથી સોનું અને રોકડ રકમ મળી આવ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં ગઈ કાલે એક બંધ ફ્લૅટમાં ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સંયુક્ત રેઇડ પાડતાં ૯૫ કિલોથી વધુ સોનું અને ૬૦ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવ્યાં હતાં. આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ રકમ મળી આવતાં એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
પાલડીના ફ્લૅટમાં સોનાનો મોટો જથ્થો અને રોકડ રકમ સંતાડ્યાં હોવાની બાતમીના આધારે ATS અને DRIએ સંયુક્ત રીતે પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર અપાર્ટમેન્ટમાં સર્ચ-ઑપરેશન કર્યું હતું. એવી બાતમી મળી હતી કે અપાર્ટમેન્ટના એક બંધ ફ્લૅટમાં લોકોની અવરજવર રહે છે અને મોટી માત્રમાં સોનું છુપાવ્યું છે. ATS અને DRIએ રેઇડ કરતાં બંધ ફ્લૅટમાંથી અંદાજે ૯૫ કિલો સોનું અને આશરે ૬૦ લાખથી વધુની રોકડ રકમ મળી આવ્યાં હતાં. ચલણી નોટો ગણવા માટે બે મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે સોનાનું વજન કરવા માટે વજનકાંટો લાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
જોકે આ અંગે ઑફિશ્યલી કોઈ વિગતો જાહેર કરવામાં નથી આવી, પરંતુ ચર્ચાઈ રહ્યું છે કે શૅરબજારના ઑપરેટરને ત્યાંથી સોનું અને રોકડ રકમ મળી આવ્યાં છે. આ ફ્લૅટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહે ભાડા પર રાખ્યો હોવાની માહિતી બહાર આવી છે, પરંતુ આ નામોની પુષ્ટિ થઈ નથી.

