સોમવારે રાતે વીજળીના કડાકા અને પવન સાથે પડેલા વરસાદથી અમદાવાદમાં ૩૦ વૃક્ષો ઊખડી ગયાં : ઠેર-ઠેર વરસાદનાં પાણી ભરાયાં : ગુજરાતના ૧૫૦ તાલુકાઓમાં પડ્યો વરસાદ : હજી બે દિવસ વરસાદની આગાહી
અમદાવાદમાં વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. અમદાવાદમાં વરસાદને કારણે વૃક્ષ પડવાથી ક્યાંક રસ્તો બ્લૉક થઈ ગયો હતો અને ક્યાંક કારને નુકસાન થયું હતું.
ગુજરાતમાં આખરે વરસાદની એન્ટ્રી થઈ છે. સોમવારે મધરાતે મેઘો મન મૂકીને વરસ્યો હતો જેને કારણે અમદાવાદ, સુરત અને નડિયાદમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. આજે અને આવતી કાલે પણ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
સોમવારે મોડી રાતે ગુજરાતના ૧૫૦ તાલુકામાં વરસાદ પડ્યો હતો. એમાં ધંધુકામાં ૪ ઇંચ અને ઉમરપાડા તાલુકામાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. ૧૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, સુરત, નડિયાદ સહિતનાં શહેરો અને નગરો તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં નાગરિકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. સોમવારે રાતે અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ અને ભારે પવનને કારણે શહેરમાં ૩૦ જેટલાં વૃક્ષો ઊખડી ગયાં હતાં જેને કારણે કેટલાક રસ્તા બ્લૉક થઈ ગયા હતા. એક જગ્યાએ એક વૃક્ષ ઊખડીને પાર્ક કરેલી બે કાર પર પડતાં કાર દબાઈ ગઈ હતી અને નુકસાન થયું હતું. દરમ્યાન ગઈ કાલે સાંજે ૪ વાગ્યા સુધીમાં ગુજરાતના છ તાલુકામાં વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
જમ્મુના કિશ્તવાડમાં બે જગ્યાએ વાદળ ફાટ્યાં: આજે દિલ્હી સહિત ૧૫ રાજ્યોમાં રહેશે આંધી-તોફાન સાથે વરસાદ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મંગળવારે બે જગ્યાએ વાદળ ફાટ્યાં હતાં. પહેલી વાદળ ફાટવાની ઘટના સરથનના ઊંડા વિસ્તારોમાં બની હતી, જ્યારે બીજી ઘટના માછીપાલ વિસ્તારમાં બની હતી. અચાનક પાણીના ધસમસતા પ્રવાહને કારણે ડઝનબંધ જગ્યાઓએ લૅન્ડસ્લાઇડ થવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા. સામાન્ય રીતે ૧૦-૨૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં એક કલાકમાં ૧૦૦ મિલીમીટર વરસાદ વરસી પડે તો એને વાદળ ફાટ્યું એમ કહેવાય છે. ભારતીય મોસમ વિભાગે ગઈ કાલે પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે ‘હજી ૬ જૂન સુધી દિલ્હી સહિત ભારતનાં ૧૮ રાજ્યોમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી શકશે સાથે જ વીજળીની ગરજ અને ચમક પણ જોવા મળશે. જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, આસામ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કેરલમ અને તામિલનાડુમાં ૭૦-૯૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડશે.
