અબડાસામાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં ગઈ કાલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. કચ્છમાં ગઈ કાલે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો હતો. અબડાસામાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. કચ્છના નલિયામાં પણ જળબંબોળની સ્થિતિ રહી. નલિયા અને અબડાસામાં અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થઈ જતાં આજે ભુજની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. નલિયામાં બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાના જુદા-જુદા ડૅમ ઓવરફ્લો થયા છે. ભુજ નજીક આવેલો ગજોડ ડૅમ ઓવરફ્લો થયો છે. પાટણ જિલ્લામાં ગઈ કાલે આખો દિવસ વરસાદ પડ્યો હતો, તો સાંતલપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. એ સિવાય સિદ્ધપુરમાં બપોરે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં.
ગઈ કાલે ગુજરાતના ૨૧૮થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો, જ્યાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ૬.૪૫ ઇંચ, કચ્છના અબડાસામાં ૫.૧૧ ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ૪.૮૪ ઇંચ, જ્યારે રાજકોટના ઉપલેટામાં ૪.૨૯ ઇંચ વરસાદ પડ્યો હતો.

