પાંચ વર્ષમાં ૬૬૯ સિંહનાં મૃત્યુ, આ વર્ષે થશે સિંહની વસ્તીગણતરી, ૨૦૨૦માં થયેલી ગણતરીમાં ગીરનાં જંગલોમાં ૬૭૪ સિંહ હતા
ગુજરાતમાં ગીરનાં જંગલોમાં કુલ ૧૬૫ એશિયાટિક સિંહનાં મૃત્યુ નોંધાયાં હતાં
ભારત સરકારની મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ૨૦૨૪માં ગુજરાતમાં ગીરનાં જંગલોમાં કુલ ૧૬૫ એશિયાટિક સિંહનાં મૃત્યુ નોંધાયાં હતાં. ૨૦૨૦ બાદ આ સૌથી મોટો આંકડો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગીરમાં ૬૬૯ સિંહનાં મૃત્યુ થયાં છે.
૨૦૨૦થી ૨૦૨૨ વચ્ચે સિંહનાં મૃત્યુમાં ઘટાડો નોંધાયો હતો, પણ એ પછીનાં ત્રણ વર્ષમાં ૨૦૨૨થી ૨૦૨૪ વચ્ચે સિંહોનાં મૃત્યુમાં ૪૧ ટકાનો વધારો નોંધાયો છે. જોકે શિકારને કારણે એક પણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી.
ADVERTISEMENT
વૃદ્ધાવસ્થા, બીમારી, લડાઈમાં થતી ઈજા, ખુલ્લા કૂવામાં પડી જવાને લીધે, અકસ્માત અને વીજળીનો કરન્ટ લાગવાને લીધે સિંહોનાં મૃત્યુ થતાં હોય છે. ઘણાં બાળસિંહનાં પણ મૃત્યુ થતાં હોય છે.
ભારતમાં એકમાત્ર ગીરનાં જંગલોમાં એશિયાટિક સિંહોનું ઘર છે અને અહીં સિંહની વસ્તી સતત વધી રહી છે. રાજ્ય સરકારના ફૉરેસ્ટ વિભાગના પ્રયાસોના કારણે ૨૦૧૫માં સિંહોની વસ્તી ૫૨૩ હતી એ વધીને ૨૦૨૦માં ૬૭૪ થઈ છે. ૨૦૧૦થી ૨૦૨૦ વચ્ચે સિંહની વસ્તીમાં ૬૪ ટકાનો વધારો થયો છે.
આ વર્ષે વસ્તીગણતરી
સિંહોની વસ્તીગણતરી દર પાંચ વર્ષે થાય છે. છેલ્લે ૨૦૨૦માં વસ્તીગણતરી થઈ હતી અને હવે આ વર્ષે સોળમી વાર ગણતરી હાથ ધરવામાં આવશે.

