સંભવિત રીતે પહેલી વાર એવું બન્યું કે કોઈ સમાજનું સંમેલન વહેલી પરોઢે યોજાયું હોય જેમાં સમાજના લોકો ઊમટ્યા હોય : સમાજ માટે પક્ષાપક્ષીથી દૂર રહી રાજકીય નેતાઓ એક મંચ પર આવ્યા: સમાજે કરાવ્યાં એકતાનાં દર્શન
ગાંધીનગરમાં ગઈ કાલે વહેલી પરોઢે ભેગી થયેલી જનમેદની.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગઈ કાલે પહેલી વાર એવી ઘટના બની હતી જેમાં કોઈ સમાજે વહેલી પરોઢે ૩ વાગ્યે સંમેલન બોલાવ્યું હોય અને એમાં સમાજના લોકો ઊમટ્યા હોય. ગુજરાતના ઠાકોર સમાજના અભ્યુદય મહાસંમેલનમાં સમાજના લોકો ઊમટ્યા હતા એટલું જ નહીં, સમાજ માટે પક્ષાપક્ષીથી દૂર રહીને રાજકીય નેતાઓ એક મંચ પર આવ્યા હતા.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગાંધીનગરમાં રામકથાના મેદાનમાં ગઈ કાલે વહેલી પરોઢે ૩ વાગ્યે ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયું હતું જેમાં ભાગ લેવા માટે રાતે ૧૨ વાગ્યાથી સમાજના લોકો ગુજરાતભરમાંથી ઊમટી આવ્યા હતા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોર, કાન્ગ્રેસનાં સંસદસભ્ય ગેનીબહેન ઠાકોર સહિત રાજકીય નેતાઓ આ સંમેલનમાં હાજર રહ્યાં હતાં. સંમેલન રાતે ત્રણ વાગ્યે શરૂ થયું હતું અને વહેલી સવારે ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું. ઠાકોર સમાજના ઉત્થાન માટે યોજાયેલા આ સંમેલનમાં યુવાશક્તિને જાગ્રત કરવા, વ્યસનમુક્તિ, શિક્ષણ અને સમાજના વિકાસના મુદ્દા પર ભાર મુકાયો હતો.
ADVERTISEMENT
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન અને BJPના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોરે સંમેલનમાં કહ્યું હતું, ‘સમાજ મારો આત્મા છે. રાજનીતિ પણ આ લોકો માટે પસંદ કરી છે. જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કાંઈ નહીં આપી શકું ત્યારે હસતા મોઢે નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશ. મને એવો મોહ નથી રાજનીતિનો જેનાથી હું તમને કંઈ ન આપી શકું.’


