શ્વાસનળીમાં ભરાઈ ગયેલી સિસોટીને ડૉક્ટરોએ ઑપરેશન કરીને બહાર કાઢી
ઑપરેશન કરીને ડૉક્ટરોએ શ્વાસનળીમાંથી સિસોટી બહાર કાઢી હતી
અમદાવાદમાં ૧૦ વર્ષનું બાળક સિસોટી ગળી જતાં તેનાં મા-બાપના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે શ્વાસનળીમાં ભરાઈ ગયેલી સિસોટીને સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ ઑપરેશન કરીને બહાર કાઢતાં અને દીકરો સ્વસ્થ થઈને ઘરે આવતાં માતા-પિતાના જીવમાં જીવ આવ્યો હતો.
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે ‘અમદાવાદમાં રહેતા જગદીશ બોડાણાનો ૧૦ વર્ષનો પુત્ર ક્રિષ્ના રમતાં-રમતાં આકસ્મિક રીતે પ્લાસ્ટિકની સિસોટી ગળી ગયો હતો જે શ્વાસનળીમાં જતી રહી હતી. આ દીકરાને પહેલાં શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં એક્સરે અને સી.ટી. સ્કૅન કરવામાં આવ્યો હતો. શ્વાસનળીમાં કંઈક વસ્તુ જણાતાં તેને સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો અને પીડિયાટ્રિક સર્જરી વૉર્ડમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. આ બાળદરદીનું ૨૦ ડિસેમ્બરે ડૉ. જયશ્રી રામજી, ડૉ. ચિરાગ પટેલ અને ડૉ. તૃપ્તિ શાહે ઑપરેશન હાથ ધરીને બ્રોન્કોસ્કોપી કરીને ડાબી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની સિસોટી કાઢી હતી. આ બાળદરદી સ્વસ્થ થતાં તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.’