યાત્રાધામ ડાકોરના મંદિર ટ્રસ્ટે કર્યો નિર્ણય ઃ કીર્તનિયાની જાળીએથી ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છા ધરાવતાં સ્ત્રી-પુરુષ માટે વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયા ન્યોચ્છાવર લેવામાં આવશે ઃ ભાવિકોમાં વિરોધ
ડાકોર
અમદાવાદ ઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હવે પછી ભગવાન રણછોડરાયજીનાં વીઆઇપી દર્શન કરવાં હોય તો એ માટે ભાવિકોએ મંદિર સત્તાવાળાઓને ૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે. ડાકોર ટેમ્પલ કમિટીએ નિર્ણય કર્યો છે કે કીર્તનિયાની જાળીએથી ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છા ધરાવતા લોકો પાસેથી વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયા ન્યોચ્છાવર લેવામાં આવશે.
ડાકોર ટેમ્પલ કમિટીએ નિર્ણય કર્યો છે કે જે ભાવિક ભક્તોને કીર્તનિયાની જાળીમાંથી પ્રવેશીને શ્રી રણછોડરાયજી મહારાજનાં દર્શન કરવાની ઇચ્છા હશે એવા ભક્તો તથા વૈષ્ણવોને તથા સ્ત્રીની જાળીએથી પુરુષ વૈષ્ણવોને દર્શન કરવાની ઇચ્છા હશે તેવી વ્યક્તિએ ન્યોચ્છાવર આપવાની રહેશે. કીર્તનિયાની જાળીએથી પુરુષ અને સ્ત્રી માટે વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયા ન્યોચ્છાવર તરીકે લેવાશે. એમાં ૧૨ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો પરિવાર સાથે જઈ શકશે. સ્ત્રી જાળીએથી પુરુષ માટે વ્યક્તિદીઠ ૨૫૦ રૂપિયા ન્યોચ્છાવર લેવામાં આવશે. ન્યોચ્છાવર આપનાર વ્યક્તિને કીર્તનિયાની જાળીમાંથી દર્શન માટે બે મિનિટથી વધારે બેસવા દેવામાં આવશે નહીં.
જોકે ડાકોરમાં રૂપિયા લઈને દર્શન કરાવવા સામે ભાવિકોમાં વિરોધ ઊઠ્યો છે. ભાવિકોએ સવાલ ઉઠાવ્યા છે કે દર્શનના મુદ્દે ભેદભાવ કેમ? ભગવાન ભાવિકોના ભાવના ભૂખ્યા હોય, ‘ભાવ’ના ભૂખ્યા ન હોય એમ પણ ભાવિકો કહી રહ્યા છે.

