અમરેલીમાં પણ મોડી રાત્રે આવ્યો ભૂકંપ
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત (Gujarat)ના જુદા-જુદા સ્થળોએ ધરતીકંપ (Earthquake)ના આંચકાઓનો અનુભવ થઈ રહ્યો છે. આજે સવારે ફરી એકવાર કચ્છ (Kutch)માં ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં. તો આ પહેલાં મોડી રાત્રે અમરેલી (Amreli)માં પણ ભૂકંપના આંચકા આવ્યાં હતાં.
મળતી માહિતી પ્રમાણે, આજે સવારે દસ વાગ્યાની આસપાસ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૮ નોંધાઈ છે. આ સાથે ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી ૬૨ કિલોમીટર દૂર નોંધાયું છે. જોકે આ આંચકાથી હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી.
ADVERTISEMENT
છેલ્લા ઘણાં સમયથી અમરેલી અને સાવરકુંડલામાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. હવે અમરેલીના મીતીયાળામાં ગઈકાલે મધરાત્રે ભૂકંપ આવ્યો હતો. જેનું સીસીટીવી ફૂટેજ વાયરલ થયું છે. ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટેર સ્કેલ પર ૩.૩ની નોંધાઈ હતી. મીતીયાળામાં મધરાત્રે આવેલા ભૂકંપની અસર આસપાસના ગામોમાં થઈ હતી. મીતીયાળા, સાકરપરા, ધજડી, ખાંભાના ભાડ, વાંકીયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકા રાત્રે ૧.૪૨ વાગ્યે આવ્યા હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો - ગુજરાત : રાજકોટની ધરા ધ્રુજી, ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ
કચ્છ, અમરેલી, સુરત સહિતના જિલ્લાઓમાં આંચકા વધવા પાછળનું મુખ્ય કારણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇન માનવામાં આવી રહી છે. એક અહેવાલ મુજબ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈનમાં મુખ્ય ટ્રાઇએન્ગલના લીધે ભૂકંપ આવે છે. ટ્રાઇએન્ગલમાં તુર્કી, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. આ સાથે ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇનમાં ડિસ્ટર્બનથી ભૂકંપો વધ્યા છે તેવું પણ એક અનુમાન સામે આવ્યું છે. ફોલ્ટ લાઇનને અનુરુપ વિસ્તારોમાં ભૂકંપથી તિરાડો પડી છે. તિરાડો પડતા જ નવી-નવી ફોલ્ટ લાઇનો જમીનમાં બની ગઈ છે. જેમાંથી એક મેજર ફોલ્ટ લાઇન કચ્છની અને બીજી તાપ્તી ફોલ્ટ લાઇન ખંભાત અખાત, ભરુચ, રાજપીપળા, ડાંગને અસર કરે છે. તો એક ફોલ્ટ લાઇન ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં અસર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મુખ્ય ફોલ્ટ લાઇનમાં એક્ટિવિટી ૧૦૦ ગણી વધી છે. અગાઉ આવા ભૂકંપો દસ વર્ષે આવતા હતા. જ્યારે હવે ઇન્ડો-ઓસ્ટ્રેલિયા-જાપાનમાં આવા ભૂકંપ વારંવાર આવે છે.