અમદાવાદની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રામાં ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળી, ૫ બૅન્ડ અને અગણિત ભાવિકો જોડાશે, વર્ષમાં એક વાર થતા સોનાવેશનાં દર્શન કરીને ભાવિકો થયા ભાવવિભોર
અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને સોનાવેશ ધારણ કરાવ્યો હતો.
ગુજરાતના અમદાવાદમાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રામાં આ વખતે પ્રભુ જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે વર્ષો પછી પહેલી વાર નવા રથમાં બેસીને ભાવિકોને દર્શન આપવા માટે સામે ચાલીને નગરમાં નીકળશે ત્યારે ભાવિકો તેમને વધાવી લેવા ભારે ઉત્સુક છે. એટલું જ નહીં, આ વખતે ભાવિકોની નજર પ્રભુના બનાવેલા નવા રથો પર પણ રહેશે.
૧૪૬મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ ગઈ કાલે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને સોનાવેશ ધારણ કરાવ્યો હતો. વર્ષમાં એક વાર થતાં પ્રભુના સોનાવેશનાં દર્શન કરીને ભાવિકો ભાવવિભોર થયા હતા.
ADVERTISEMENT
આજે રથયાત્રામાં નવા રથોનો ઉપયોગ થશે. આ રથોને ગઈ કાલે મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના પ્રધાનમંડળના સભ્યોએ અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં પૂજાઅર્ચના અને સંધ્યા આરતીમાં સહભાગી થયા હતા અને પ્રભુનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને સૌને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. આ પહેલાં ગુજરાત કૉન્ગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કૉન્ગ્રેસના નેતાઓએ પ્રભુનાં દર્શન કર્યાં હતાં અને રથોનું પૂજન કર્યું હતું.
ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘રથયાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા એસ.આર.પી., પૅરામિલિટરી ફોર્સ અને બધી ફોર્સ મળીને ૨૬,૦૦૦ જવાનો રથયાત્રાની સુરક્ષા માટે, વ્યવસ્થા માટે અને સૌ નાગરિકો દર્શન કરી શકે એ માટે આ વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ટ્રેડિશનલની સાથે-સાથે આ રથયાત્રામાં ટેક્નૉલૉજીનો ઉપયોગ થશે. આ વખતે ખાસ કરીને મોબાઇલ સીસીટીવી કન્ટ્રોલ વેહિકલ બનાવ્યું છે, જેના માધ્યમથી વધુમાં વધુ સીસીટીવી કૅમેરાનો ઉપયોગ કર્યો છે. અમુક ટ્રક, અખાડા અને રથની વચ્ચે લાઇવ સીસીટીવી રાખવામાં આવશે. આ રથયાત્રામાં ભગવાનના ત્રણ રથ સાથે ૧૦૧ ટ્રક, ૧૮ હાથી, ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળી અને પાંચ બૅન્ડ પાર્ટી જોડાશે.