હાર્વર્ડ યુનિવર્સિટીમાં કૉલેજનાં ત્રણ સેમેસ્ટર પૂરાં કરીને ભણવાનું અધૂરું છોડીને ૧૯૭૫માં માઇક્રોસૉફ્ટની સ્થાપના કરનારા બિલ ગેટ્સ પોતે ગ્રૅજ્યુએશન પૂરું નહોતું કરી શક્યા.
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતિકાત્મક તસવીર
કરીઅરને લાઇફ માનીને બધું જ એની પાછળ હોમી દેવા તત્પર આજની યુવા પેઢીને માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સે પોતાના જીવનના અનુભવો પરથી કેટલીક પ્રૅક્ટિકલ સલાહ આપી છે. એજ્યુકેશન પત્યા પછી વ્યાવહારિક જીવનમાં આગળ વધનારા દરેક માણસને કામ લાગે એવી આ પાંચ ઍડ્વાઇઝ અને તેની આજના સમયમાં જરૂરિયાત વિશે વાત કરીએ
જીવનમાં કરીઅરનું મહત્ત્વ હોવું જોઈએ પરંતુ કરીઅર માટે બીજું બધું જ પડતું મુકાતું હોય તો? જો લાઇફ અને કરીઅરમાં સંતુલન ન હોય તો? આનો જવાબ થોડાક સમય પહેલાં માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સે આપ્યો. મારા પોતાના ગ્રૅજ્યુએશન વખતે કોઈએ મને આ વાત કહી હોત તો જીવન જુદું હોત એવી કબૂલાત સાથે બિલ ગેટ્સે અમેરિકાની નૉર્ધર્ન ઍરિઝોના યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓને પાંચ યાદ રાખવા જેવી વાતો શૅર કરી હતી. આ પાંચ ઍડ્વાઇઝ કઈ એ પહેલાં જાણીએ અને સાથે ભારતના યુથ માટે આ વાતો કેટલી સાપેક્ષ છે એ વિશે જાણીતા ગ્રેટિટ્યુડ કોચ ચિરાગ શાહ સાથે વાતો કરીએ.
ADVERTISEMENT
કરીઅર ચૉઇસનો નિર્ણય પથ્થર કી લકીર નથી
‘તમે જે ઉંમરમાં છો એ ઉંમરમાં કરીઅરને લઈને સાચો નિર્ણય લેવાનું પારાવાર પ્રેશર તમે અનુભવતા હશો. તમને થશે કે આ જીવનભરનો નિર્ણય છે અને એ પછી ક્યારેય નહીં બદલાય તો એવું જરાય નથી. એકેય કરીઅરનો નિર્ણય પર્મનન્ટ છે એ માનીને ચાલવું નહીં. હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે મેં પણ આ સ્ટ્રગલ કરી છે. અધવચ્ચે કૉલેજ છોડીને માઇક્રોસૉફ્ટ શરૂ કર્યું ત્યારે થયેલું કે બસ, આ જ જીવનભર કરતો રહીશ. પરંતુ એવું થયું નહીં. આજે હું સૉફ્ટવેર પર કામ કરું છું પરંતુ ફિલાન્થ્રોફી મારું ફુલટાઇમ કામ છે.’
ચિરાગ શાહ શું કહે છે?: આ વાત આપણે ત્યાં સૌથી વધુ લાગુ પડે છે, કારણ કે જ્યારે માઇન્ડને ઓપન રાખીને આગળ વધો છો ત્યારે બહુ જ રિલૅક્સ થઈને બધું કરો છો. આ એક્સપ્લોર કરતી વખતે ધારો કે તમને કંઈક વધુ ગમતી બાબત મળી જાય તો તમે ખીલશો અને કારણ કે તમારું માઇન્ડ ઓપન છે તમે વધુ સારી રીતે એનો સ્વીકાર કરીને આગળ વધશો. મારા પિતાએ એમબીબીએસની ડિગ્રી લીધા પછી દસ વર્ષ ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરી પણ તેમને મજા ન આવી તો છેક ૪૯ વર્ષે તેમણે સ્ટૉક એક્સચેન્જનું કામ શરૂ કર્યું. એ સમયે અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી. છતાં તેઓ એ સાહસ કરી શક્યા અને તેમને સફળતા મળી.
કન્ફ્યુઝનથી ડરો નહીં
જીવનના અમુક તબક્કે તમને સમજાય નહીં કે કરવું શું? કઈ રીતે આગળ વધવું પણ આ તબક્કો સૌથી મહત્ત્વનો છે. આ શીખવાનો તબક્કો છે અને એનાથી ગભરાયા વિના એમાં માહેર હોય એવા લોકોની મદદ લઈને એમાંથી બહાર નીકળો અને જાતને અપગ્રેડ કરો. યાદ રાખજો, તમને જે આવડે છે એના પર જ ફોકસ કરીને તમે ગ્રો નહીં થાઓ. તમને ન સમજાતા પ્રૉબ્લેમ પણ તમારે ફેસ કરવા પડશે અને એને સૉલ્વ કરવામાં બેસ્ટ વ્યક્તિની મદદ પણ લેવી પડશે. નથી સમજાતું હવે શું કરું, આ કરું કે પેલું કરું, કઈ રીતે આગળ વધું આવી મૂંઝવણો જ્યારે મનમાં જાગે ત્યારે થોડોક બ્રેક લો, પૅનિક થયા વિના ઊંડો શ્વાસ લઈને જાતને એ મુદ્દાઓમાં વધુ ઊંડા લઈ જવાના પ્રયાસ કરો. તમને એમાં મદદ કરનારા લોકો તરફ ધ્યાન ખેંચો. એમાં ઍડ્વાઇઝ લેવામાં પણ પાછા નહીં પડો. ચિરાગ શાહ શું કહે છે?: જે પણ લોકો ટૉપ પર બેઠા છે એ લોકો આપવા તૈયાર હોય છે. કોઈ તેમને અપ્રોચ નથી કરતું. એટલે ધારો કે કેમ આગળ વધવું એની મૂંઝવણ હોય તો ચોક્કસ જે-તે ક્ષેત્રના ટોચ પર બેસેલા લોકોનો અપ્રોચ કરવો એ શ્રેષ્ઠ પર્યાય છે.
પ્રૉબ્લેમ સૉલ્વર બનો
આજ સુધીમાં અઢળક સ્ટાર્ટઅપ ગુરુ જે વાત કહી ચૂક્યા છે એ જ વાતને બિલ ગેટ્સ દોહરાવે છે પણ જરાક જુદી રીતે. અહીં તેઓ કહે છે, ‘તમે એવા સમયમાં ગ્રૅજ્યુએટ થઈને બહારના વિશ્વમાં આગળ વધવાના છો જે સમયે તમારી પાસે દુનિયાભરની તકો છે. તમે તમારા કામ થકી અઢળક લોકોને મદદ કરી શકો છો. દરરોજ નવી ઇન્ડસ્ટ્રીઝ અને કંપનીઓ શરૂ થઈ રહી છે. તમે એ ઍડ્વાન્સ સાયન્સ અને ટેક્નૉલૉજીના વિશ્વમાં જીવી રહ્યા છો જ્યાં તમારા કામ થકી તમે સમાજને સારી રીતે પ્રભાવિત કરી શકો એના નેક્સ્ટ લેવલ પર છો. અત્યારે તકોની કોઈ કમી નથી, પરંતુ જ્યારે તમે સમાજના કોઈ મોટા પ્રૉબ્લેમને સૉલ્વ કરવાની દિશામાં કામ કરો છો ત્યારે તમારું એનર્જી લેવલ જુદા જ સ્તરનું હોય છે અને તમારા જીવનને એક જોરદાર મકસદ મળી જાય છે.’
ચિરાગ શાહ શું કહે છે?: ઘણા લોકોને ખબર નથી કે હું આવો પ્રૉબ્લેમ ફેસ કરું છું એને જો તમે શોધી કાઢો તો સો ટકા એની અસર લાંબા સમયની હોય છે. આજના સમયમાં સારું માર્કેટિંગ શૉર્ટ ટર્મ ગેઇન પ્રોડક્ટ આપી શકે છે પરંતુ જો પ્રોડક્ટ સારી હશે તો એને લાઇફટાઇમ માટે સફળતા મળશે.
ફ્રેન્ડશિપના પાવરને અન્ડરએસ્ટિમેટ ન કરતા
‘મારા સમયમાં મારી પાસે એટલો સમય જ નહોતો કે હું સોશ્યલ થઈ શકું. તમને ખબર નથી પણ તમે તમારી બાજુમાં બેસેલી વ્યક્તિ સાથે પણ એક રૅપો બિલ્ડ કરો છો તો એ માત્ર તમારો ક્લાસમેટ નથી હોતો પણ તમારું ફ્યુચર નેટવર્ક હોય છે. તમારા ફ્રેન્ડ્સ જ તમારો સપોર્ટ, ઇન્ફર્મેશન અને ઍડ્વાઇઝના બેસ્ટ સોર્સ હોય છે. આજના સમયમાં સૌથી મહત્ત્વની બાબત શેમાં આગળ વધ્યા એ નહીં પણ તમે કોની સાથે આગળ વધ્યા એ છે. મારા કેટલાક ખૂબ જૂના મિત્રોએ મારા જીવનમાં સૌથી મહત્ત્વનો ભાવ ભજવ્યો છે. જેમ કે મારો હાઈ સ્કૂલનો ફ્રેન્ડ પૉલ ઍલન માઇક્રોસૉફ્ટનો કો-ફાઉન્ડર બન્યો તો કૉલેજ ફ્રેન્ડ સ્ટીવન બોલમર માઇક્રોસૉફ્ટનો તેના પછીનો સીઈઓ બન્યો.’
ચિરાગ શાહ શું કહે છે? : ટૉપ ફાઇવ રિગ્રેટ્સ ઑફ ડાઇંગ પુસ્તકમાં જીવનના અંતિમ ચરણમાં રહેલા લોકોના ઇન્ટરવ્યુમાં એક કૉમન રિગ્રેટ આવેલું કે કાશ મેં મારા મિત્રો સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવ્યો હોત. તમે જેવા છો એવા કોઈ પણ જાતના ડર વિના તેની સાથે રહી શકો એ સૌથી મહત્ત્વની બાબત છે અને એવો સમય તમારે કાઢવો જોઈએ. હા, એ ચોક્કસ છે કે જેવા બનવાની તમારી ડિઝાયર હોય એવું ડિફૉલ્ટ બિહેવિયર ધરાવતા વ્યક્તિ સાથે મિત્રતા હોવી જોઈએ.
વર્ક સિવાયની પણ લાઇફ હોય
‘હું જ્યારે તમારી ઉંમરનો હતો ત્યારે હું વેકેશનમાં બિલીવ નહોતો કરતો. વીક-એન્ડ્સનું મારે મન કોઈ મૂલ્ય નહોતું. જેમની સાથે કામ કરતો હતો એ લોકોમાં મને ભરોસો નહોતો. લોકોનું મહત્ત્વ, પરિવાર સાથે એન્જૉય કરવાનું મહત્ત્વ, જીવનને માણવાનું મહત્ત્વ મને હું પિતા બન્યો ત્યારે સમજાયું. મેં મોડું કર્યું એવું તમે નહીં કરતા. તમારા સંબંધોને નર્ચર કરવા માટે સમય આપો. તમારી સફળતાને સેલિબ્રેટ કરવા માટે અને તમારી નિષ્ફળતાના પેઇનમાંથી બહાર આવવા માટે પણ જાતને સમય આપો.’
ચિરાગ શાહ શું કહે છે? બહુ જ સાચી વાત છે. લાઇફમાં બૅલૅન્સનું બહુ મહત્ત્વ છે. છેલ્લાહ સો વર્ષનું હાર્વર્ડનું રિસર્ચ કહે છે કે હૅપી અને હેલ્ધી કોણ રાખે છે? અબજો રૂપિયા ખર્ચાઈ ગયા પછી રિસર્ચનું તારણ કહે છે કે તમારી હેલ્થ, સારાં રિલેશન, સ્પિરિચ્યુઅલ ગોલ્સ, સોશ્યલ ઇન્ટરૅક્શન જેવી બાબતો તમને હૅપીનેસ આપે છે. દુનિયાના રિચેસ્ટ વ્યક્તિ હો પણ પથારીવશ હો તો તમે ખુશ નહીં રહો, દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ હશો પણ જો કોઈ પોતાની વ્યક્તિ આસપાસ નહીં હોય તો તમે દુખી હશો. હું રિચેસ્ટ માણસ છું પણ સોશ્યલ કૉન્ટ્રિબયુશન નથી કર્યું કે સ્પિરિચ્યુઅલ ખોજ નથી કરી તો અંદરખાને ખાલીપો અનુભવીશ. કરીઅરમાં સક્સેસ મેળવવાની સાથે આવા ઘણા ફ્રન્ટ છે જેના પર કામ થવું જોઈએ.