ચીનના જેન્ગઝાઉ ટાઉનમાં રહેતાં લી ડૉન્ગઝુ નામનાં ૬૬ વર્ષનાં દાદીને દુનિયા ફરવાનું ઝનૂન ચડ્યું છે
લી ડૉન્ગઝુ
ચીનના જેન્ગઝાઉ ટાઉનમાં રહેતાં લી ડૉન્ગઝુ નામનાં ૬૬ વર્ષનાં દાદીને દુનિયા ફરવાનું ઝનૂન ચડ્યું છે. તેમણે એકલપંડે સાઇકલ પર દુનિયા જોવાનું સાહસ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં તેઓ વિયેટનામ, કમ્બોડિયા, ફ્રાન્સ અને ઑસ્ટ્રેલિયા જેવા ૧૨ દેશમાં સાઇકલસવારી કરીને ફરી આવ્યાં છે. હજી તેમને અટકવું નથી, દુનિયાના ૧૦૦ દેશ સાઇકલ પર ફરવાની તેમની ઇચ્છા છે. તેમનું કહેવું છે કે ટ્રાવેલિંગ એ એવો નશો છે જેનો એક વાર સ્વાદ ચાખી લો એ પછી જાતને રોકી નથી શકાતી. નવાઈની વાત એ છે કે તેમને ચાઇનીઝ મૅન્ડરિન ભાષા જ બોલતાં આવડે છે એટલે વિદેશોમાં ફરવા માટે તેઓ સંપૂર્ણપણે ટ્રાન્સલેશન ઍપ પર જ નિર્ભર રહે છે.
સાઇકલ પર લિમિટેડ બજેટમાં ટ્રાવેલ કરવાનું હોવાથી તેમની પાસે સામાન પણ ઓછો હોય છે અને પૈસા પણ ઓછા છે. પૈસા બચાવવા માટે તેઓ જનરલ ગાર્ડન્સ, ગૅસ-સ્ટેશન્સ અને કબ્રસ્તાનોમાં રાતવાસો કરી લે છે. ઘણી વાર તેઓ અજાણ્યા લોકો સાથે તેમનાં ઘરોમાં પણ આશ્રય લે છે.
ADVERTISEMENT
લીબહેનને સાઇકલ ચલાવવાનું ઝનૂન ૨૦૧૩માં લાગુ પડ્યું હતું. વાત એમ હતી કે લાંબાં લગ્ન પછી તેમના છૂટાછેડા થયા અને તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યાં. અચાનક એકલાં પડીને જીવનમાંથી રસકસ ગુમાવ્યા બાદ તેઓ એક વાર પાર્કમાં બેઠાં હતાં ત્યારે તેમણે એક સાઇકલ સવારોનું ગ્રુપ જોયું અને તેમને મજા આવી. જોકે સાઇકલ ચલાવીને ગ્રુપમાં ફરવાનું સપનું કંઈ એમ સાકાર થાય એમ નહોતું. લીબહેનનું કહેવું છે કે ‘એ પહેલાં હું બીજા લોકો પર બહુ નિર્ભર હતી. મને લાગતું હતું કે હું કૂવામાંનો દેડકો છું, પણ હવે જ્યારે હું એકલપંડે દેશો ફરી આવી છું ત્યારે મને લાગે છે કે હું જંગલી વરુ છુ, એકદમ આઝાદ.’
તેમના દીકરાએ લીબહેનને ફોલ્ડિંગ માઉન્ટનબાઇક ગિફ્ટ કરી એ પછીથી તેમણે બાકીની જર્ની માટે જાતે જ કમાણી કરીને બચત કરવાનું અને આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું. પહેલાં તેઓ કાપડની મિલમાં કામ કરતાં હતાં. એનું ૩૦૦૦ યુઆન એટલે કે લગભગ ૩૫,૦૦૦ રૂપિયાનું પેન્શન આવતું હતું. એ ઉપરાંત તેમણે વધુ કમાણી માટે એક-બે વર્ષ લોકોના ઘરે સાફસસાઈનું કામ પણ કર્યું. એ બધામાંથી જે પૈસા બચ્યા એનાથી તેમણે છ યુરોપિયન દેશોની સાથે ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડની સાઇકલયાત્રા કરી હતી. જોકે કોવિડ આવી જતાં ન્યુ ઝીલૅન્ડની યાત્રા અધવચ્ચે જ અટકાવી પડી હતી. હવે તેઓ કઝાખસ્તાન અને યુનાઇટેડ આરબ એમિરેટ્સની સફર સાઇકલ પર કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે.

