આ ચોંકાવનારા રિપોર્ટથી ખળભળાટ, પણ કંપનીએ રદિયો આપ્યો
પ્રતીકાત્મક તસવીર
LGના સ્માર્ટ ટીવીમાં યુઝર્સની પ્રાઇવસીને લઈને એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર LGનાં કેટલાંક સ્માર્ટ ટીવી ઘરમાં જોડાયેલા અન્ય ડિવાઇસને સ્કૅન કરી શકે છે. સૌથી ભયજનક વાત એ છે કે ટીવી બંધ હોય કે સ્ટૅન્ડબાય મોડમાં હોય ત્યારે પણ એનું માઇક્રોફોન ઑડિયો કૅપ્ચર કરી શકે છે. આ રિપોર્ટે ઘરમાં લોકોની ખાનગી વાતો અને જાસૂસી અંગેના સવાલો ઊભા કરી દીધા છે.
સંશોધકોના મતે આ ટીવી ઘરના વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાયેલાં કમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્માર્ટફોન જેવા ડિવાઇસની માહિતી એકઠી કરે છે. ઑટોમૅટિક કન્ટેન્ટ રેકગ્નિશન (ACR) ટેક્નૉલૉજીની મદદથી ટીવી તમે શું જુઓ છો એની માહિતી એકઠી કરીને એનો ઉપયોગ જાહેરાતો માટે કરી શકે છે. રિપોર્ટમાં દર્શાવાયું છે કે રિમોટ-કોડ-એક્ઝિક્યુશનની નબળાઈને કારણે કોઈ હૅકર બંધ ટીવીનું માઇક્રોફોન ચાલુ કરીને ઘરની ખાનગી વાતો સાંભળી શકે છે.
ADVERTISEMENT
જોકે LG કંપનીએ આ આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેમનું ટીવી રૂટીન વાતો રેકૉર્ડ કરતું નથી અને માત્ર રિમોટનું બટન દબાવવાથી અથવા ‘હાય LG’ બોલવાથી જ વૉઇસ-કમાન્ડ લે છે.
